ગાંધીનગર: (Gandhinagar) રાજ્યનાં તમામ પ્રજાજનોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ મળી રહે અને તેમનું આરોગ્ય જળવાય તે માટે સુદ્રઢ આરોગ્ય માળખું ઉભુ કરવામાં આવ્યું છે. જેમાં પાયાની આરોગ્ય (Health) સેવાઓથી લઈને સુપર સ્પેશ્યાલિટી સેવાઓ (Super Specialty Service) ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે વર્ષ ૨૦૨૧-૨૨ માટે રૂ.૧૧,૩૨૨.૮૧ કરોડની જોગવાઇ કરવામાં આવી છે, તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું.
નાયબ મુખ્યમંત્રી પટેલે કહ્યું હતું કે, મુખ્યમંત્રી અમૃતમ યોજના અને “મા વાત્સલ્ય” યોજના અમલી કરેલી છે. જેમાં બી.પી.એલ. કુટુંબો, વાર્ષિક રૂ. ૪ લાખ સુધીની આવક ધરાવતા પરિવારો, આશા બહેનો, પત્રકાર મિત્રો, ફિક્સ પગાર ધારકોના પરિવારજનો, વાર્ષિક રૂ. ૬ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા કુટુંબોના સિનિયર સિટીઝનો અને યુ-વીન કાર્ડ ધારકોને લાભ મળવાપાત્ર રહે છે. આ યોજના હેઠળ પ્રાથમિક, સેકન્ડરી અને ટર્શરી બિમારીઓ માટે સારવાર મળવાપાત્ર છે.
જેમાં આંખના રોગો, કાન, નાક અને ગળાના રોગો, સ્ત્રી રોગ, માનસિક રોગો, હૃદયના રોગો, કીડનીના રોગો, મગજના રોગો, ગંભીર ઇજાઓ, નવજાત શિશુઓને લગતા ગંભીર રોગો, કેન્સર, ઘૂંટણ અને થાપાના રિપ્લેસમેન્ટ, કિડની અને લિવરના ટ્રાન્સપ્લાન્ટેશન વિગેરે માટે સારવાર મળવાપાત્ર છે. જે માટે કુટુંબદીઠ વાર્ષિક મહત્તમ રૂ. ૫ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
આ યોજના અંતર્ગત નિયત સારવારનો ખર્ચ માન્ય હોસ્પિટલને સીધો સરકાર દ્વારા આપવામાં આવે છે. “મા” અને ”મા વાત્સલ્ય” યોજના હેઠળ ૧૨મી માર્ચ, ૨૦૨૧ સુધીમાં કુલ ૭૯.૪૯ લાખ કુટુંબોની નોંધણી થઈ છે. “મા” યોજના તથા આયુષ્માન ભારત યોજના અંતર્ગત કુલ ૨૫૦૨ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં સારવાર ઉપલબ્ધ છે.