અમદાવાદ: રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી (Gujarati) ફરજિયાત ભણાવવાના નિયમ અંગે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી અરજીની સુનાવણીમાં હાઇકોર્ટે ટકોર કરતા કહ્યું હતું કે રાજ્યની તમામ શાળાઓમાં (School) ફરજિયાત ગુજરાતી ભણાવવાના ઠરાવનો સરકાર દ્વારા અમલ કરાવવામાં આવે. આ નિયમ તમામ બોર્ડ ને લાગુ પડે છે.
ગુજરાત હાઇકોર્ટે વધુમાં કહ્યું હતું કે પ્રાથમિક શાળાઓમાં અંગ્રેજી માધ્યમની અનેક શાળાઓ હજુ પણ ગુજરાતી ભણાવતી નથી. આવી શાળાઓમાં પણ ગુજરાતી ભણાવવામાં આવે તે દિશામાં તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવી જોઈએ. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ગુજરાતી ભાષાનો વ્યાપ વધે તે માટે તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા મહાનગરોમાં શૈક્ષણિક સંસ્થાઓ, વેપારિક સંસ્થાઓ સહિતના સ્થળોએ લગાવવામાં આવેલા બોર્ડમાં હિન્દી, અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષાનો ઉપયોગ ફરજિયાત કરવા ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. સરકારના ઠરાવ પછી હાઇકોર્ટે પણ આ અંગે ટકોર કરી છે.