Gujarat

ગુજરાતના 14 જિલ્લામાં કમોસમી વરસાદ: અમદાવાદ ભાવનગરમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડ્યો

ગુજરાતમાં (Gujarat) વરસાદી (Rain) માહોલ સર્જાયો છે. દક્ષિણ ગુજરાત સમેત રાજ્યના અનેક વસ્તારોમાં સોમવારે વરસાદ વરસ્યો હતો. રાજ્યના ગાંધીનગર, સુરેન્દ્રનગર, બોટાદ, નવસારી, ચોટીલા, સાબરકાંઠા, બનાસકાંઠા, ભાવનગર, ડાંગ અને વલસાડમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. આજે બપોરે વલસાડના કપરાડાના હુડા ગામ પાસે કરા સાથે વરસાદ ખાબક્યો હતો. આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જોકે ભીષણ ગરમી વચ્ચે વરસાદ વરસતા લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી. આ તરફ દક્ષિણ ગુજરાતના ખેડૂતો કેરીના પાકને લઈને ચિંતામાં મુકાયા છે.

હવામાન વિભાગ દ્વારા 16 મેં સુધી ગુજરાતમાં વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે. સોમવારે ગુજરાતના અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમદાવાદમાં દિવસે જ જાણે અંધારું છવાઈ જવા પામ્યું હતું. બપોર બાદ અહીં વરસાદ શરૂ થયો હતો. વલસાડમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. બીજી તરફ ભાવનગર, અંબાજી, અરવલ્લીમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા, વિજયનગરમાં પણ વરસાદ વરસ્યો છે. શામળાજી મંદિર તરફ જતા રસ્તા પર પાણી ભરાયા હતા. શામળાજીમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ગુજરાતમાં હજુ ચાર દિવસ વરસાદી માહોલ રહેશે. આજથી 16મી સુધી ગુજરાતમાં વરસાદ વરસવાની આગાહી છે.

વલસાડના કપરાડામાં ભારે પવન ફૂંકાયો હતો. અને સાથે કરા પડ્યા હતા. ભારે પવનને કારણે ગિરનારા ગામમાં આશ્રમશાળાના પતરા અને શેડ ઉડી ગયા હતા. જણાવી દઈએ કે હવામાન વિભાગે 14 મેના રોજ માટે અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ગીરસોમનાથ, ભાવનગર, ભરૂચ તેમજ સુરતમાં અમુક સ્થળોમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદ વરસવાની આગાહી કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે નોર્થ વેસ્ટ મધ્યપ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે જેના કારણે આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે 15 મેના રોજ બનાસકાંઠા, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. જ્યારે 16 મેના રોજ બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જણાવી દઈએ કે આ પહેલાં રવિવારે રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં છુટા છવાયા વરસાદી ઝાપટા આવ્યા છે. વડોદરા, ડાંગ , નર્મદા અને દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો જેમા ડાંગના સાપુતારામાં પવન અને કરા સાથે વરસાદ પડ્યો હતો.

Most Popular

To Top