પંજાબ સહિત ઉત્તર ભારતમાં વરસાદે કહેર મચાવ્યો છે. છેલ્લાં કેટલાંય દિવસોથી પંજાબ પૂરમાં સપડાયું છે. પૂરના પાણીના લીધે પંજાબના અનેક જિલ્લામાં ખાનાખરાબી સર્જાઈ છે. લોકો પાયમાલ થયા છે. ઘર તણાઈ ગયા છે. પાક નષ્ટ થયો છે. જીંદગીભરની મૂડી અનેક લોકોએ ગુમાવી છે. લોકોને ખાવા-પીવાના ફાંફા પડી રહ્યાં છે ત્યારે ગુજરાત પંજાબની મદદે આવ્યું છે.
ગુજરાત સરકારે માનવતા ધર્મ નિભાવતા પંજાબના પૂરગ્રસ્ત લોકો માટે જીવન જરૂરી ચીજવસ્તુઓની મદદ મોકલી છે. આજે તા. 11 સપ્ટેમ્બરના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર રેલવે સ્ટેશનથી 700 ટન જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ ભરેલી ટ્રેનને ગ્રીન સિગ્નલ આપ્યું હતું. આ સાથે ગુજરાત સરકારે 5 કરોડનો પૂર રાહતનો ચેક પણ મોકલ્યો છે.
આ પૂરગ્રસ્ત રાહત સામગ્રીમાં મુખ્યત્વે ખાદ્ય સામગ્રીનાં પેકેટ્સ, કપડાં, દવાઓ અને અન્ય આવશ્યક વસ્તુઓ છે, જે પૂરથી પ્રભાવિત હજારો પરિવારો માટે અત્યંત જરૂરી છે.
રેલવે DRM વેદપ્રકાશે જણાવ્યું કે અહીંથી 20 વેગનમાં રિલીફ મટિરિયલ લોડ કરીને મોકલાયું છે. બે વેગન આગળ જોડાશે. અંદાજે 700 ટન માલસામાન લોડ કરાયો છે. તેમાં ચોખા, દાળ, ડુંગળી, બટાટા, દવાઓ, કપડાં સહિત 20 પ્રકારની ચીજો સામેલ છે. દૂધ ઉત્પાદનો અને બીજી ઘણી બધી વસ્તુઓ મોકલવામાં આવી છે.
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે ભાજપના કાર્યકર્તાઓ અને ગુજરાતની પ્રજા અને સરકાર હંમેશાં લોકો માટે ભારતમાં કોઈપણ ખૂણા પર આફત આવે, પૂર આવે, વાવાઝોડું આવે એ વખતે ત્યાં મદદ કરવા માટે કાયમ ઉત્સુક હોય છે. ભૂપેન્દ્ર પટેલની સરકારે પંજાબ માટે ખૂબ બધી ચીજવસ્તુઓ ઘઉંથી માંડી કપડાં સુધીની વસ્તુઓ અહીંથી આપણે 11 વેગનમાં રવાના કરી છે અને 11 વેગન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ તરફથી પણ આ ટ્રેનની સાથે રવાના થયાં છે, સાથે ભૂપેન્દ્રભાઈ પટેલે 5 કરોડની પૂર રાહતનો ચેક પણ પંજાબ સરકારને આપ્યો છે.