ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટયું છે તે વાતની આખરે રાજ્ય સરકારે કબૂલાત કરી છે. ખુદ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી કબૂલ્યું હતું કે પ્રશ્નપત્ર લીક થયું છે અને સમગ્ર ઘટનાની પોલીસ તપાસ કરી રહી છે. આ મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશને ગુનો પણ નોંધવામાં આવ્યો છે. પેપર લીક કૌભાંડમાં કુલ 11 આરોપીઓ પૈકી 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ત્રણ આરોપીઓની શોધખોળ જારી છે.
અત્યાર સુધી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ આશિત વોરાએ હેડ ક્લાર્કની પરીક્ષામાં પ્રશ્નપત્ર ફૂટયું છે તેવી કોઇ પણ ફરિયાદ મળી નથી તેવું રટણ ચાલુ રાખી આ વાતનો સ્વીકાર જ કર્યો ન હતો પણ ત્યાર બાદ રાજ્યના ગૃહમંત્રીએ આ વાતનો સ્વીકાર કર્યો હતો. પત્રકાર પરિષદ સંબોધતા ગૃહ મંત્રીએ વિગત આપી કે, પેપર લીંક કૌભાંડના મૂળ સુધી જવા માટે પ્રયત્ન કરાશે અને જવાબદારો સામે કડક પગલા ભરવામાં આવશે. આ ઉપરાંત આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે વધુ કડક કલમનો ઉમેરો પણ કરવામાં આવશે. સમગ્ર કૌભાંડની તપાસ કરવા માટે પોલીસની 24 ટીમો કાર્યરત છે.
સરકાર વતી જ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પેપર લીક કૌભાંડનું એપીસેન્ટર પ્રાંતિજ નજીકનું ગામ ઊંછા છે અને જયેશ પટેલ કૌભાંડનો માસ્ટર માઈન્ડ છે. એલઇડીની પરીક્ષામાં પણ પેપર ફૂટતા મામલો ગરમાયો હતો હવે ફરી એકવાર હેડ ક્લાર્કના પેપર લીક થતા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ શંકાના ઘેરામાં આવ્યું છે. જાહેર ભરતીઓના પ્રશ્નપત્ર ફૂટતા સરકાર ચિંતાતુર બની છે અને બે રોજગાર યુવાઓમાં રોષની લાગણી ભભૂકી છે. અત્યારે તો રાજ્યના 88 હજાર પરીક્ષાર્થીઓ ગુજરાત સરકાર સામે આંગળી ચીંધીને બેઠા છે. હવે પરીક્ષા રદ થશે કે કેમ એ અંગે ના નિર્ણય પર પરીક્ષાર્થીઓની નજર મંડાઇ છે.
છેલ્લે રવિવારે પોલીસે જે માહિતી આપી તે પ્રમાણે આ પેપર પ્રિન્ટિંગ પ્રેસના સુપરવાઇઝરે લીક કર્યું હતું અને તેણે જ એમ્બ્યુલન્સ ચાલકને વેચાતું આપ્યું હતું ત્યાંથી તે સર્ક્યુલલેટ થયું હતું. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની રચનાની વાત કરીએ તો ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના તાઃ ર૧-૩-૮૮ ના ઠરાવ ક્રમાંકઃ કેબીવાય-૧૧૮૬- ૧૬૧૫-ગ.૩ થી સ્ટાફ સીલેકશન કમિશન ની તેમાં નિયત કરેલ કાર્યો બજાવવા માટે રચના કરવામાં આવી હતી.
સા.વ.વિભાગના તાઃ રર-૧૧-૧૯૮૮ ના ઠરાવ ક્રમાંકઃ કેબીવાય-૧૧૮૬-૧૬૧૫-ગ.૩ થી આ કમિશનના નામને, તેની કામગીરી, કાર્યક્ષેત્ર વિગેર બાબતો લક્ષમાં લેતાં, વધુ સ્૫ષ્ટ બનાવવાના હેતુથી તેનું “ગુજરાત કર્મચારી ૫સંદગી મંડળ” રાખવાનું ઠરાવવામાં આવ્યુ હતું ૫રંતુ રાજયમાં ગુજરાત જાહેર સેવા આયોગ નામનું આયોગ અસ્તિત્વમાં હોઈ, એક જ હેતુ માટે બે આયોગ હોઈ ન શકે તેથી સા.વ.વિભાગના તાઃ ૦૧-૦૫-૧૯૯૦ ઠરાવ ક્રમાંકઃ કેબીવાય-૧૦૮૮-રર૪૧-ગ.૩ થી મંડળનું નામ ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ રાખવામાં આવ્યું છે. આ કચેરી ખાતાના વડાની કચેરીનો દરજજો ધરાવે છે.
ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળની ફરજોની વાત કરીએ તો બિન સચિવાલય સંવર્ગની વર્ગ-૩ ની સીધી ભરતીથી ભરાતી જગ્યાઓ, રાજય સરકાર હેઠળના વિભાગો-ખાતાના વડાઓની કચેરીઓની વર્ગ-૩ ની બિનતાંત્રિક તથા તાંત્રિક સંવર્ગોની જગ્યાઓ ભરવાની, સ્વ. કર્મચારીઓના આશ્રિતને રહેમરાહે નોકરી આ૫વાની, રાજય સરકાર હેઠળના તમામ વિભાગો-ખાતાના વડાઓની કચેરીઓના વર્ગ-૩ ના તમામ સંવર્ગોની ખાતાકીય ૫રીક્ષાઓ યોજવી વગેરે છે.
જો કે, કોઇ પણ યુનિવર્સિટી હોય કે શાળા તેની સૌથી ગોપનીય બાબત પરીક્ષાના પેપરની છે અને કોઇ પણ પરીક્ષા વિભાગની આજ મહત્વની કામગીરી હોય છે કે પેપર લીક થવું જોઇએ નહીં પરંતુ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ માટે આ નવી બાબત નથી તેના ઇતિહાસ પર નજર કરીએ તો વારંવાર અહીં પેપર લીક થવાની ઘટનાઓ બને છે. છેલ્લા પાંચ વર્ષની જ વાત કરીએ તો અહીં પેપર લીક થવાની જાણે પરંપરા સર્જાઇ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના કર્તા હર્તાઓએ વિચારવું જોઇએ કે કોઇ પણ વિદ્યાર્થી ગ્રેજ્યુએટ થાય એટલે કે 15 વર્ષ સુધી અભ્યાસ કરે ત્યાર બાદ તે આ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટે યોગ્ય બને છે.
આટલો ઉચ્ચ અભ્યાસ કરાવવા માટે માતા પિતાએ પેટ પર પાટા બાંધવા પડે છે કારણ કે, હવે નવી ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓ શરૂ કરવાની તો સરકારમાં તાકાત જ નથી રહી તેના કારણે જ ખાનગી શાળાઓની હાટડી ખોલીને શિક્ષણ માફિયાઓ બેફામ બની ગયા છે. ત્યારે સરકારી નોકરીના સપના જોતા અને તેના માટે પરીક્ષાની તૈયારી કરતાં લાખો વિદ્યાર્થીઓ મહિનાઓ સુધી મહેનત કરે છે અને આવા કૌભાંડીઓ રૂપિયા નાંખીને પેપર ખરીદી કરી લે છે. આ એક ખૂબ જ ગંભીર બાબત છે. એક પેપર ફૂટે ત્યાં સુધીની વાત તો સમજી શકાય તેમ છે પરંતુ પેપર ફૂટવાની પરંપરા સર્જાય અને સરકાર તેના માટે કોઇને જવાબદાર નહીં ઠેરવે તે બાબત જ સ્વીકાર્ય ગણી શકાય તેમ નથી.
ભલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આ મુદ્દે આકરૂ વલણ અપનાવ્યું છે પરંતુ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના વડાનું રાજીનામું આપવાથી કઇં નહીં વળે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનું જ વિસર્જન થઇ જવું જોઇએ તેવી માંગ વિરોધ પક્ષો દ્વારા કરવામાં આવવી જોઇએ તોજ આગામી દિવસોમાં સરકારી નોકરીના સ્વપ્ન જોઇ રહેલા ગરીબ અને છેવાડાના વિદ્યાર્થીઓનું ભલુ થશે. અસિત વોરાના રાજીનામાને બદલે હવે આ પસંદગી મંડળનું જ વિસર્જન કરીને નવેસરથી તેની રચના કરવી જોઇએ. પરીક્ષા તો સામાન્ય સ્કૂલ પણ લઇ શકે છે પરંતુ પેપર જ જો ફૂટી જવાનું હોય તો આવા પસંદગી મંડળ શું કામના જે ગુજરાતના માથે મારી દેવામાં આવ્યાં છે.