શાળાએ 1999માં સીબીએસઈ બોર્ડની મંજૂરી મેળવી પણ પ્રાથમિક શાળા આજદિન સુધી શરૂ થઈ નથી

અમદાવાદ(Ahmedabad): અમદાવાદની એક શાળાએ (School) સીબીએસઈ બોર્ડની (CBSC Board) મંજૂરી મેળવવા માટે ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હતા. આ અંગે તાત્કાલિક તપાસ કરી જવાબદાર અધિકારી અને શાળા સંચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરવાની એનએસયુઆઇ (NSUI) દ્વારા માંગણી કરવામાં આવી છે.

પ્રદેશ એન.એસ.યુ.આઇ.ના અગ્રણી ગૌરાંગ મકવાણા અને ભાવિક સોલંકી દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે કે, શહેરના વાસણા વિસ્તારમાં આવેલી નિર્માણ હાઇસ્કૂલમાં સીબીએસઈ બોર્ડની માન્યતા દરમિયાન કયા પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા ? નિર્માણ હાઇસ્કૂલ દ્વારા સીબીએસઈ બોર્ડની મંજૂરી વખતે જે શાળા દર્શાવવામાં આવી છે, તે શાળાએ 1999માં મંજૂરી મેળવી હતી, પણ આદર્શ પ્રાથમિક શાળા આજદિન સુધી શરૂ થઈ નથી.

શાળા દ્વારા બનાવટી દસ્તાવેજો ઉભા કરી ખોટા પ્રમાણપત્રો અને દસ્તાવેજો બનાવી સીબીએસઈ બોર્ડની મંજૂરી મેળવી છે. આ અંગે તાત્કાલિક તપાસ કમિટી નીમવામાં આવે અને જો ગેરરીતિ જણાય તો જવાબદાર અધિકારી તથા શાળાના સંચાલકો સામે ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માગણી છે.

કોંગ્રેસમાં તાંત્રિકવિધિના મામલે મહિલા કોર્પોરેટરને અચોક્કસ મુદત માટે તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા
અમદાવાદ: કોંગ્રેસમાં તાંત્રિકવિધિના મામલે આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો છે, ત્યારે તાંત્રિક વિધિ માટે વાઇરલ થયેલી ઓડિયોના મુદ્દે પ્રદેશ કોંગ્રેસ દ્વારા અમદાવાદના મહિલા કોર્પોરેટર જમનાબેન વેગડાને અચોક્કસ મુદત માટે કોંગ્રેસ પક્ષમાંથી તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પ્રદેશ કોંગ્રેસના ચૂંટણી સંકલન સમિતિના ચેરમેન બાબુભાઈ પટેલે મહિલા કોર્પોરેટર જમના બેગડાને અચોક્કસ મુદત માટે કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરતાં કહ્યું હતું કે ટીવી માધ્યમો દ્વારા તમારા નામ સાથે તાંત્રિક કારસ્તાન અંગેની વાતો સતત ચાલી રહી છે. ક્યારેક કોઈ વ્યક્તિને પોતાની ધારણા મુજબ અસંતોષ જેવું લાગે, પરંતુ તેને આધારે પક્ષની શિસ્ત રેખા ઓળંગી જાય તેવું વર્તન ચલાવી શકાય નહીં.

તમને ગમે તેટલો અસંતોષ હોય તો પણ તાંત્રિક માર્ગે જવું તે તો તદ્દન અઘટિત ગણાય. તમને કદાચ લાગે છે કે, આ મેં નથી કર્યું, તો પછી જે ટીવી માધ્યમોમાં આવું આવી રહ્યું છે, તેની સામે પગલાં કેમ નથી ભરાતા ? આ પરિસ્થિતિ બતાવે છે કે, આપના દ્વારા જ આવું કૃત્ય થયું છે. જેના કારણે કોંગ્રેસની ખૂબ જ ટીકા થઇ છે, અને પક્ષની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી છે. આ અગાઉ પણ તમને મીડિયા સમક્ષ વાતચીત કરવા બદલ નોટિસ આપવામાં આવેલી છતાં, તમારા દ્વારા આવું ગેરશિસ્તભર્યું વર્તન ચાલુ રાખવામાં આવ્યું હોવાથી તમને અચોક્કસ મુદત માટે કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે.

Most Popular

To Top