અમદાવાદ: પહેલા તો ગુજરાતમાં (Gujarat) પેપર ફૂટવાની ઘટના બનતી હતી અને ભરતી કૌભાંડો (SCAM) થતા હતા પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે હવે તો ૪૦ લાખ રૂપિયા આપો અને સીધા જ સરકારી નોકરી (Government Job) મેળવી શકો છો અને તે પણ પોલીસની નોકરી (Police Job). કોઈપણ જાતની પરીક્ષા આપ્યા વિના જોડાઈ જાવ અને પગાર મેળવો જેવા ભ્રષ્ટાચારી કૌભાંડની ઘટનાને અનુલક્ષીને ગુજરાતની જનતા અને ખાસ કરીને ૬૦ લાખ બેરોજગારોમાં ખૂબ જ રોષ વ્યાપેલો છે. તેઓએ અને ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તા તથા આગેવાનોએ ટ્વિટર પર ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીનું રાજીનામું માંગતો ટ્રેન્ડ #Resign_Harsh_Sanghavi કર્યો હતો અને સમગ્ર ગુજરાતમાં ૧૨૦૦૦ કરતાં પણ વધારે ટ્વિટ સાથે તે પાંચમા નંબરે છવાયો હતો, તેવું પ્રદેશ કોંગ્રેસના મીડિયા વિભાગના કો-ઓર્ડીનેટર અને પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું.
હેમાંગ રાવલે વધુમાં કહ્યું હતુ કે ગુજરાતના બેરોજગારોએ હર્ષ સંઘવી પાસે નૈતિક રીતે રાજીનામું માંગતા જણાવ્યું હતું કે અમે હર્ષભાઈ પાસે ગુજરાતીમાં રાજીનામું માંગી રહ્યા છીએ પરંતુ ધોરણ આઠ સુધી જો તે ભણતા હતા ત્યારે ગુજરાતી વિષય ના ભણાવતો હોય અને તેમને ગુજરાતીમાં સમજ ન પડતી હોય તો દેશની વિવિધ ૧૧ ભાષામાં સોશિયલ મીડિયા દ્વારા તેમનું રાજીનામું માગવામાં આવી રહ્યું છે. માટે તેઓ નૈતિકતાના ધોરણે તાત્કાલિક રાજીનામું આપે અને ગુજરાતના ૬૦ લાખ શિક્ષિત બેરોજગારોમાં વિશ્વાસ સંપાદિત કરે.