અમદાવાદ: ગૂજરાત વિદ્યાપીઠ (Gujarat Vidyapith) કે જેની સ્થાપના મહાત્મા ગાંધી (Mahatma Gandhi) દ્વારા કરવામાં આવી હતી. આ મહાત્મા ગાંધીની સંસ્થામાં ગાંધી વિચારધારાની વિરુદ્ધ કુલપતિની નિમણૂક કરવામાં આવતાં છેલ્લા કેટલાક દિવસથી ગૂજરાત વિદ્યાપીઠ વિવાદોમાં આવી છે. ગૂજરાત વિદ્યાપીઠના નવા કુલપતિની પસંદગી નિયમ વિરુદ્ધ, રાજકીય દબાણ હેઠળ, ડર અને લાલચથી કોઈપણ જાતના યોગ્ય સંવાદ વગર, અયોગ્ય રીતે કરવામાં આવી હોવાનું કહીને 9 જેટલા ટ્રસ્ટીઓએ રાજીનામાં (Resignation)આપી દીધાં છે.
ગૂજરાત વિદ્યાપીઠમાં કુલપતિ તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની નિમણૂક કરવામાં આવતાં ગાંધીવાદી વિચારધારા સાથે જોડાયેલા કેટલાક ટ્રસ્ટીઓ દ્વારા આ નિમણૂકનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જો કે, આ નિમણૂક અંગે કેટલાક દિવસથી જુદા જુદા મતમતાંતરો ચાલી રહ્યા છે. ટ્રસ્ટીમંડળના કેટલાક સભ્યો આ નિમણૂકને યોગ્ય ઠરાવી રહ્યા છે, તો કેટલાક અયોગ્ય ઠેરાવી રહ્યા છે. આ વિવાદમાં સોમવારે પૂર્વ કુલનાયક સુદર્શન આયંગાર સહિત નવ ટ્રસ્ટીઓએ રાજીનામાં આપી દીધાં છે. જે ટ્રસ્ટીઓએ રાજીનામાં આપ્યા છે, તેમાં નરસિંહભાઈ હઠીલા, ડો.સુદર્શન આયંગાર, ડો.અનામિક શાહ, ડો.મંદાબેન પરીખ, ઉત્તમભાઈ પરમાર, ચૈતન્ય ભટ્ટ, નીતાબેન હાર્ડીકર, માઈકેલ માંઝગાંવકર, કપિલ શાહે રાજીનામું ધરી દીધું છે.
રાજીનામું આપનાર આ નવ ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે, ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિની પસંદગીનો નિર્ણય રાજકીય દબાણ હેઠળ, ડર અને લાલચ, સૂચિત સંવાદની માંગણીને અવગણીને, આ હોદ્દા માટે અન્ય લાયક વ્યક્તિઓનો વિચાર કર્યા વિના બિનજરૂરી ઉતાવળથી નિર્ણય લેવામાં આવ્યો છે. તંત્રને સાચવવાની લાયમાં, મૂળ તત્ત્વને બલિદાનની વેદી પર ચઢાવી દેવાયું છે. આ નિર્ણય લેવાયા બાદ અમારું સૂચન હતું કે, કુલપતિ તરીકે પસંદ પામેલી વ્યક્તિને આમંત્રણ આપવાની ઉતાવળ ન થાય, તેમ છતાં ફરિવાર દબાણને વશ થઈ આમંત્રણ આપવું પડ્યું હોય તેમ લાગે છે. જે બન્યું છે, તે ભારે આઘાતજનક, પીડાદાયક છે, અને અમે સૌ એક પ્રકારે નિ:સહાયતા અનુભવીએ છીએ.
તેમણે વધુમાં કહ્યું હતું કે, આ સ્થિતિમાં અમારી ફરજ બને છે કે અત્યારે કુલપતિ તરીકે પસંદ થયેલા વ્યક્તિ તરફ કોઈ પણ દ્વેષભાવ રાખ્યા વગર પ્રેમભાવ સાથે વિરોધ અને અસરકારની ભૂમિકા અદા કરવી અને અમે સૌ અમારા અંતરઆત્માના અવાજને અનુસરી સામૂહિક રીતે નક્કી કરીએ છીએ કે હવે ટ્રસ્ટી મંડળના સભ્ય તરીકે સંસ્થાના હાલના સંચાલન સાથે સહયાત્રા કરવી અમારા માટે અયોગ્ય હોવાથી સ્વેચ્છાએ રાજીનામું આપી મુક્ત થવામાં જ શાણપણ છે. આમ એક સાથે નવ ટ્રસ્ટીઓએ રાજીનામાં આપી દીધાં છે.