ગાંધીનગર: અષાઢી બીજ 1લી જુલાઈના (July) રોજ અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યભરમાં જુદાજુદા શહેરોમાંથી 180 રથયાત્રા (RathYatra) નીકળનાર છે. આ રથયાત્રા માટે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ (Police) બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રથયાત્રા રાજ્યમાં શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે પોલીસે ખાસ એક્શન પ્લાન (Action Plan) તૈયાર કર્યો છે, અને વધારાની પોલીસ કુમક જુદા જુદા સ્થળોએ તૈનાત કરવામાં આવી છે. તમામ રથયાત્રાનું ગાંધીનગરમાં (Gandhinagar) કંટ્રોલરૂમમાં લાઈવ મોનિટરિંગ કરાશે. રાજ્યમાં મોટી રથયાત્રાઓ અમદાવાદ ભાવનગર, આણંદ, બોરસદ, પેટલાદ, ખંભાત, ગાંધીનગર હિંમતનગર, ડીસા અને ધાંગધ્રામાં નીકળતી હોય છે. જ્યારે આ સિવાય બાકીના શહેરોમાં- ટાઉનમાં શોભાયાત્રાના રૂપમાં રથયાત્રાઓ નીકળનાર છે.
- રથયાત્રા રાજ્યમાં શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે પોલીસે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો
- તમામ રથયાત્રાનું ગાંધીનગરમાં કંટ્રોલરૂમમાં લાઈવ મોનિટરિંગ કરાશે
- રથયાત્રાને પગલે વધારાની પોલીસ ફોર્સ ફાળવવામાં આવી, ભાવનગરમાં પણ ચૂસ્ત બંદોબસ્ત
- અમદાવાદમાં 145મી રથયાત્રા સહિત રાજ્યમાં જુદા જુદા સ્થળોએથી અંદાજે 180 રથયાત્રા નીકળશે
રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં કોવિડની પરિસ્થિતિને લીધે રથયાત્રા નીકળી શકી ન હતી, પરંતુ આ વખતે અમદાવાદમાં 145મી રથયાત્રા સહિત રાજ્યમાં જુદા જુદા સ્થળોએથી અંદાજે 180 રથયાત્રા નીકળનાર છે. આ રથયાત્રાને લઈ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા ઉભી કરાઈ છે. અમદાવાદ પછી બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા ભાવનગર ખાતે નીકળતી હોવાથી ભાવનગરમાં પણ પેરામિલેટ્રી ફોર્સ સહિતની તમામ સલામતી ટુકડીઓને ફરજ પર ગોઠવવામાં આવી છે.
રાજ્યમાં પેરામિલિટરી ફોર્સની 25 કંપનીઓ તૈનાત, જેમાંથી 22 કંપનીઓ અમદાવાદમાં ગોઠવવામાં આવી
આશિષ ભાટિયાએ વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે રાજ્યમાં 25 પેરામિલિટરી ફોર્સની કંપનીઓ બહારથી બંદોબસ્ત માટે ગોઠવવામાં આવી છે. જેમાંથી 22 કંપનીઓને અમદાવાદમાં ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદમાં શહેર બહારથી 4 ડી.આઇ.જી., 20 એસ.પી., 60 ડીવાયએસપી, 150 પોલીસ ઇન્સ્પેક્ટર, 300 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 2000 પોલીસ કોસ્ટેબલ, સહિત અંદાજે 25 હજારથી વધુ પોલીસ કર્મીઓને ફરજ ઉપર ગોઠવવામાં આવ્યા છે. આ ઉપરાંત ડ્રોન કેમેરા, બોડી ઓન કેમેરા તથા આધુનિક ટેકનોલોજીનો વધુમાં વધુ પોલીસ બંદોબસ્તમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે સોશિયલ મીડિયામાં પણ ખાસ નજર રાખવામાં આવશે. જેના માટે સાઇબર ક્રાઇમની ટીમો, સીઆઇડી ક્રાઇમ પણ સતત નજર રાખશે. ગાંધીનગર ખાતે કંટ્રોલરૂમમાં ખાસ લાઈવ મોનીટરીંગ પણ કરવામાં આવશે.