અમદાવાદ : રાજ્યમાં મહિલા સુરક્ષાને માત્ર ‘બેટી બચાઓ’ ના નારા ઉપર સીમિત રહી ગઈ છે. મહિલા ઉપર બનતાં ગુન્હાઓ રોકવામાં રાજ્ય સરકાર નિષ્ફળ ગઈ છે. ગુજરાતમાં (Gujarat) મહિલા ઉપરના ગુનાઓ દિવસે અને દિવસે વધી રહ્યાં છે. છેલ્લાં એક વર્ષમાં મહિલા ઉપરના ગુનામાં ૧૫ ટકાનો વધારો થયો છે. રાજ્યમાં રોજના સરેરાશ ૫ જેટલા દુષ્કર્મના, જ્યારે છેલ્લા એક વર્ષમાં અમદાવાદમાં (Ahmedabad) જ ૬૧૪ જેટલી દુષ્કર્મની ઘટનાઓ બની છે. જે દિવસની સરેરાશ બે ઘટનાઓ બને છે. તેવું પ્રદેશ કોંગ્રેસના (Congress) પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવડિયાએ જણાવ્યું હતું.
ગુજરાતમાં મહિલા ઉપરના ગુન્હાઓ દિવસે અને દિવસે વધી રહ્યાં છે. છેલ્લા એક વર્ષમાં મહિલા ઉપરના ગુન્હાઓમાં ૧૫ ટકાનો વધારોએ રાજ્યના ગૃહ વિભાગની નિષ્ફળતા નથી તો બીજું શું છે? છેલ્લા એક વર્ષમાં અમદાવાદમાં જ ૬૧૪ જેટલી દુષ્કર્મની ઘટનાઓ બની છે જે દિવસની સરેરાશ બે ઘટનાઓ ગણાય. ગુજરાત રાજ્યમાં રોજના સરેરાશ ૫ જેટલા દુષ્કર્મના ગુના બની રહ્યાં છે. ગુજરાત રાજ્યમાં છેલ્લાં ૨ વર્ષમાં આશરે ૩૮૦૦ જેટલી દુષ્કર્મની ઘટનાઓ અને ૬૦ થી વધુ સામૂહિક દુષ્કર્મની ઘટનાઓ બનવા પામી છે.
પાર્થિવરાજસિંહ કઠવડિયાએ કહ્યું હતું કે, સમગ્ર દેશમાં અઢાર વર્ષથી નાની દીકરીઓ ઉપર દુષ્કર્મમાં અમદાવાદ પાંચમા ક્રમે છે, જ્યારે અઢાર વર્ષથી નાની દીકરીઓની જાતીય સતામણીમાં છઠ્ઠા ક્રમે છે. સરકારની આ ગંભીર ગુન્હાઓ તરફની નીરસતા, સજા દર ઉપરથી ખ્યાલ આવે છે. મહિલા ઉપરના ગુન્હાઓના આરોપીઓમાં ૧૦૦ બળાત્કારના આરોપીમાંથી ૭૯ આરોપીઓ છૂટી જાય છે.
ગૃહમંત્રીના સુરત શહેરમાં જ દીકરીનું ગળું કાપવાની ઘટના બની
પાર્થિવરાજસિંહ કઠવડિયાએ ભાજપ સરકાર પર આકરાં પ્રહારો કરતાં કહ્યું હતું કે, રાજ્ય સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવીના શહેર સુરતમાં દીકરીનું ધોળા દિવસે ગળું કાપવાની ઘટના બની છે. દિકરી ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત છે. ઈશ્વરને પ્રાર્થના કે વહેલામાં વહેલી સ્વસ્થ થાય. ભૂતકાળમાં પણ દીકરીનું સુરત અને ખેડા માતરમાં ગળું કાપીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી. અમદાવાદમાં માં-દીકરીની નિર્મમ હત્યા થાય અને શબ ફ્રીઝ અને કબાટમાં મળે. રાજકોટમાં વ્યાજખોરો દ્વારા એક પરિણીત મહિલાનું શારીરિક શોષણ કરવામાં આવે, જૂનાગઢમાં એક દીકરીને સામૂહિક પીંખી નાખવામાં આવે, આ છેલ્લા ત્રણ દિવસનો ઘટનાક્રમ છે. આ ઘટનાક્રમ ગુજરાત સરકારની મહિલા સુરક્ષાની નિષ્ફળતાને સ્પષ્ટ દર્શાવે છે.