નવી દિલ્હી: (New Delhi) એક વિશાળ ધૂળનું તોફાન (Dust Storm) ગુજરાત અને દક્ષિણ રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે અને તેની અસર આગામી 12 કલાક સુધી રહેવાની સંભાવના છે, એમ ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું. ધૂળના આ તોફાને પહેલા પાકિસ્તાનમાં સામાન્ય જીવનને અસર કરી છે અને હવે તે ગુજરાત અને રાજસ્થાનના ભાગોને અસર કરે તેવી શક્યતા છે. જોકે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં ધૂળની ડમરીઓની કોઈ અસર નહીં થાય. જ્યારે ગુજરાત અને રાજસ્થાન માટે આગામી 12 કલાક જોખમી છે. લોકોને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે.
ભારતના વિવિધ ભાગોમાં ખરાબ હવામાનની સ્થિતિ જોવા મળી રહી છે. પર્વતો પર ભારે હિમવર્ષા થઈ રહી છે, જ્યારે મેદાની રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે અને કડકડતી ઠંડી પડી રહી છે. મોટાભાગના શહેરોમાં ગાઢ ધુમ્મસને કારણે જનજીવનને પણ અસર થઈ છે. આખા ઉત્તર ભારતમાં પણ આવી જ સ્થિતિ છે. ત્યારે હવે ગુજરાત અને રાજસ્થાનથી તાજા સમાચાર આવી રહ્યા છે. હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે કે ધૂળની ડમરીઓ આ બંને રાજ્યો તરફ ઝડપથી આગળ વધી રહી છે. આગામી 12 કલાક જોખમી છે. લોકોને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ તોફાન પાકિસ્તાનથી આવી રહ્યું છે જ્યાં સામાન્ય જનજીવનને ઘણી અસર થઈ છે. ભારતમાં પણ આવી જ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પાકિસ્તાનથી મળેલી માહિતી અનુસાર, કરાચીમાં ત્યારે અરાજકતા ફેલાઈ ગઈ જ્યારે પશ્ચિમ પાકિસ્તાનથી આવેલી ધૂળની ડમરીઓએ અહીં સામાન્ય જનજીવનને ખોરવી નાંખ્યું. વાવાઝોડાને કારણે વિઝિબિલિટી 500 મીટરથી ઓછી થઈ ગઈ હતી. શનિવારે બપોરથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ધૂળિયા પવનો ફૂંકાઈ રહ્યા છે. દ્વારકા અને પોરબંદરમાં પવનની ઝડપ 10 કિમી પ્રતિ કલાકથી વધુ હતી અને વિઝિબિલિટી એક કિલોમીટરથી ઓછી હતી.
દક્ષિણ પાકિસ્તાનના વિસ્તારો અને અરબી સમુદ્રને અડીને કચ્છ અને સૌરાષ્ટ્ર તરફ સાંજ સુધીમાં ધૂળ વાળા પવનો ફૂંકાશે. ધૂળનું તોફાન અથવા ધૂળ ઉડાડતા પવનો લગભગ 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. જે સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા સ્થળોએ અને નજીકના ગુજરાત પ્રદેશ અને દક્ષિણ રાજસ્થાનમાં છૂટાછવાયા સ્થળોએ ફૂંકાવાની સંભાવના છે. IMDના વરિષ્ઠ વૈજ્ઞાનિક આર.કે જેનામણી ના જણાવ્યા અનુસારલ રવિવાર સવારથી લઈ આગામી 12 કલાક સુધી આવી સ્થિતિ રહેશે.