ગાંધીનગર: (Gandhinagar) ઉત્તર ભારત તથા દક્ષિણ ભારત તરફથી આવી રહેલી સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં (Gujarat) 30મી નવે.થી 2જી ડિસે. સુધીમાં ગુજરાતમાં વિવિધ ભાગોમાં કમોસમી વરસાદની (Rain) સંભાવના રહેલી છે. આજે રવિવારે ગુજરાતમાં જો કે ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે. આજે રાજ્યમાં વલસાડમાં સૌથી વધુ 13 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. ગાંધીનગરમાં ઠંડીની અસર વર્તાઈ રહી છે. ગાંધીનગરમાં 15 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી.
ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે. સૌથી ઓછું કચ્છના નલિયાનું તાપમાન 14 ડિગ્રી નોંધાયું છે. અન્ય શહેરોનું પણ તાપમાન ગગડ્યું છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં ફુલગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં ફરી માવઠુ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 30 નવેમ્બરથી ગુજરાત, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં માવઠું પડી શકે છે. 30 નવેમ્બરથી 3 દિવસ સુધી એટલે કે 2 ડિસેમ્બર સુધીમાં કમોસમી વરસાદ ઉપરાંત રાજ્યમાં ઠંડીનો પારો પણ વધવાની આગાહી કરવામાં આવી છે. સામાન્યથી મધ્યમ અને ગાજવીજ સાથે ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી છે, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દમણ અને દીવના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 17 ડિ.સે., ગાંધીનગરમાં 15 ડિ.સે., ડીસામાં 18 ડિ.સે., વડોદરામાં 17 ડિ.સે., સુરતમાં 21 ડિ.સે., વલસાડમાં 13 ડિ.સે., ભૂજમાં 19 ડિ.સે., નલિયામાં 16 ડિ.સે., અમરેલીમાં 17 ડિ.સે., ભાવનગરમાં 18 ડિ.સે.,રાજકોટમાં 20 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 17 ડિ.સે. લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
કાલથી પાંચ દિવસ ખેડૂતોને શાકભાજીના પાકોની રોપણી મુલતવી રાખવા સલાહ
બારડોલી : સુરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર હેઠળ કાર્યરત જિલ્લા કૃષિ હવામાન એકમે જણાવ્યું છે કે, હાલમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ સુરત જિલ્લામાં આગામી દિવસોમાં, તારીખ 30 નવેમ્બરથી 3 ડિસેમ્બર દરમ્યાન વરસાદની સંભાવના છે. ખેડૂત મિત્રોને શાકભાજી પાકોની રોપણી મુલતવી રાખવા અથવા તો નીક-પાળા પર શાકભાજીની રોપણી કરવાની સલાહ આપવામાં આવે છે. તે ઉપરાંત વરસાદ પછી જો શાકભાજી પાક પાણીમાં ડૂબ્યા હોય તો ખેડૂતોને ટ્રાઇકોડમાં થવા સ્યુડોમોનસ 1 લિટર/ 1એકર આપવાની ભલામણ કરવામાં આવે છે. હાલમાં રોપણી કરેલા પાકોમાં વરસાદના પ્રમાણને ધ્યાનમાં રાખી વરસાદ બાદ પિયત આપવાની સલાહ આપવામાં આવે છે.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરતના કૃષિ હવામાન વિભાગના વિષય નિષ્ણાત એ.એન.પટેલે જણાવ્યું હતું કે ભારતીય હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે. હાલમાં સક્રિય થયેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી પાંચ દિવસ દરમ્યાન જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. આથી આ દિવસો દરમ્યાન ખેડૂતોને શાકભાજીના પાકોની રોપણી હાલ પૂરતી મુલતવી રાખવા જણાવવામાં આવે છે.