ગાંધીનગર: (Gandhinagar) અરબી સમુદ્ર પરથી આવેલી લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં (Gujarat) આગામી 10મી જુલાઈ સુધીમાં ભારે વરસાદની (Rain) ચેતવણી હવામાન વિભાગે આપી છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તેમ હવામાન વિભાગનાં સૂત્રોએ કહ્યું હતું.
- અરબી સમુદ્ર ઉપરથી સરકીને આવેલી લો પ્રેશર સિસ્ટમ ભારે વરસાદ લાવશે
- આગામી બે દિવસમાં સુરત, નવસારી, વલસાડ, વાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
રાજ્યમાં જૂનમાં ચોમાસું સિસ્ટમ નબળી રહેવા પામી હતી. તેમાંયે ખાસ કરીને અમદાવાદ તથા ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદની ઘટ જોવા મળી હતી. હવે જુલાઈમાં અરબી સમુદ્ર પરથી સરકીને લો પ્રેશર સિસ્ટમ આવી છે. જેના પગલે એક લાંબો વરસાદનો રાઉન્ડ આવી શકે છે. આગામી બે દિવસમાં સુરત, નવસારી, વલસાડ, વાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં પણ એક લો પ્રેશર સિસ્ટમ બની રહી છે. જે પશ્વિમ દિશા તરફ આગળ વધશે. જેના પગલે ગુજરાતમાં સારો એવો વરસાદ આવશે. રવિવારે દિવસ દરમિયાન હાલમાં દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર તરફ વરસાદનું જોર જોવા મળ્યું હતું.
હાઇવે ઓથોરિટિના બેદરકારીભર્યા વહીવટ વચ્ચે ખરેરા નદીના પુલ સહિત હાઇવે પર અનેક જગ્યાએ પાણીનો ભરાવો
ઘેજ : બલવાડા નેશનલ હાઇવે સ્થિત ખરેરા નદીના પુલ ઉપર પ્રારંભિક વરસાદમાં જ ડામરની સપાટી તૂટવા સાથે ખાડા પડતા વાહન વ્યવહારને અસર થઇ છે. હાઇવે ઓથોરિટિના બેદરકારીભર્યા વહીવટ વચ્ચે ખરેરા નદીના પુલ સહિત હાઇવે પર અનેક જગ્યાએ પાણીનો ભરાવો થતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.
ચીખલી પંથકમાં આમ જોઇએ તો ચોમાસાની શરૂઆત જ થઇ છે અને માંડ ૧૬ – ૧૭ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તેમાં તો સુરત – વલસાડ નેશનલ હાઇવેના બલવાડા સ્થિત ખરોરા નદીના પુલ ઉપર ડામરની સપાટી તૂટી જતા મસમોટા ખાડાઓ પડી ગયા છે. જેને પગલે વાહનોની ગતિ પર બ્રેક લાગવા સાથે ટ્રાફિકની સમસ્યા સર્જાતા સમય અને ઇંધણના વ્યય સાથે વાહનોને પણ નુકશાન થઇ રહ્યુ છે. પુલ ઉપર વરસાદી પાણીના નિકાલ માટે જે પાઇપો રાખવામાં આવ્યા છે તે મોટે ભાગના બંધ થઇ ગયા છે. તો પુરતા પ્રમાણમાં પાણીનો નિકાલ થતો નથી અને જેને પગલે પૂલ ઉપર પાણી ભરાયેલા રહે છે.
પાણીના નિકાલની પૂરતી વ્યવસ્થાના અભાવે પાણીનો ભરાવો
આ ઉપરાંત હાઇવે પર અન્ય ઘણી જગ્યાએ પાણીના નિકાલની પૂરતી વ્યવસ્થાના અભાવે પાણીનો ભરાવો રહે છે. જેમાં રસ્તાને નુકશાન થવા સાથે ખાસ કરીને ચાલુ વરસાદ દરમ્યાન વાહન ચાલકો માટે મોટી સમસ્યા સર્જાઇ રહી છે અને આ પ્રકારની સ્થિતિમાં વાહન-ચાલકોને અકસ્માતનો ભય સતાવતો હોય છે. આ ઉપરાંત હાઇવેના સર્વિસ રોડ પર તો કેટલીય જગ્યાએ સતત પાણી ભરાયેલા રહે છે. ત્યારે હાઇવે ઓથોરિટીના જવાબદાર અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગશે કે કેમ તે જોવું રહ્યું. ચોમાસાની શરૂઆતમાં નેશનલ હાઇવેની અવદશા થઇ રહી છે તો આગળ સ્થિતિ કેવી થશે. જેથી હાઇવે તંત્ર દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા સાથે ઝડપથી મરામત કરવામાં આવે તે જરૂરી છે.