Gujarat

સુરત, અમદાવાદ, ડાંગમાં વરસાદે વિરામ લીધો, સૂર્યદેવતાએ આપ્યા દર્શન

ગુજરાત : ગુજરાતના (Gujarat) છેલ્લા ચારેક દિવસથી ભારેથી અતિભારે વરસાદ (Rain) વરસી રહ્યો છે. એક તરફ જ્યાં દેશના અન્ય ભાગોમાં મેઘો ધમાકેદાર બેટિંગ કરી રહ્યો છે ત્યાં હવે આજે ગુજરાતના ધણાં જિલ્લાઓમાં સૂર્યદેવતાએ દર્શન આપ્યા હતા. ભારે વરસાદની આગાહી વચ્ચે સુરત (Surat), અમદાવાદ (Ahmedabad), ડાંગમાં વરસાદે વિરામ લીધો છે. જ્યારે બીજી તરફ જૂનાગઢ (Junagadh) અને જામનગરમાં (Jamnagar) ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિત સર્જાઈ છે. લોકોનું જન જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે.

સુર્યદર્શન થવાથી લોકોએ હળવાશ અનુભવી
આ સાથે ગઈ કાલે ડાંગ (Dang) જિલ્લામાં આશરે સરેરાશ 9 મિમી વરસાદ નોંધાયો હતો. જોકે ગઈ કાલે ડાંગ જિલ્લામાં વરસી રહેલા વરસાદ બાદ બપોર પછી વરસાદનું જોર ધટ્યું હતું. વરસાદના કારણે દેખાતા બંધ થઈ ગયેલા રસ્તાઓ વરસાદનું જોર ધટતા દેખાવા લાગ્યા હતા. ડાંગ જિલ્લાના આહવામાં 11 મિમી, વધઈમાં 13 મિમી અને સુબીરમાં 4 મિમી વરસાદ નોંધાયો હતો. જેની માહિતી જિલ્લા ફલડ કંટ્રોલ કક્ષ તરફથી આપવામાં આવી હતી. આ અતિભારે વરસાદના કારણે ડાંગ જીલ્લાના 12 માર્ગ પર પાણી ફરી વળ્યું હતું. જેના કારણે તે માર્ગો અવરોધાયા હતા. ડાંગમાં ભારે વરસાદના કારણે ડાંગમાં આવતા પર્યટકો અને વાહન ચાલકોને કોઈ પણ પ્રકારનો અકસ્માત કે કોઈ બનાવ ન બને તે માટેની જિલ્લા વહીવટી તંત્રએ તકેદારી રાખવા માટે માર્ગદર્શક સુચનાઓ જારી કરી હતી.

અનેક પર્યટન સ્થળો પર જવા તંત્ર દ્વારા પ્રતિબંધ મુકાયો
ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દાખવવાં આવેલ માર્ગદર્શક સુચનાઓ મુજબ જિલ્લાના કેટલાક જાહેર માર્ગો, પર્યટન સ્થળો, જળધોધ, ડુંગરોની ટોચ અને તળેટીના વિસ્તારો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સાથે રોડ સાઈડ ઉપર આડેધડ વાહનો પાર્ક કરીને સેલ્ફી લેવા કે ફોટોગ્રાફી કરવા ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

એક તરફ અમદાવાદ, સુરત તથા રાજકોટ જેવા શહેરોમાં ઉધાડ નીકળ્યો હતો. તો રાજ્યના ઘણા જિલ્લામાં વરસી રહેલા વરસાદના કારણે ઘણા નદી-નાળા છલકાયા હતા. આ સાથે ઘણા ડેમ પણ ઓવરફ્લો થયા હતા. રાજ્યમાં આજ રોજ 205 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ સાડા નવ ઈંચ વરસાદ વલસાડના ધરમપુરમાં નોંધાયો હતો. આ સાથે હવામાન ખાતાની આગાહી મુજબ ગત મોડી રાત્રે છોટા ઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદ વરસ્યો હતો અને જાણે આભ ફાટ્યું હોય તેમ છોટા ઉદેપુર તેમજ પાવી જેતપુરમાં વરસાદ તુટી પડ્યો હતો. જેતપુરમાં બે કલાકમાં લગભગ દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાનું ઓસા ઘેડ ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું.

Most Popular

To Top