Gujarat

આગામી પાંચ દિવસમાં રાજ્યમાં ગરમીનો પારો આટલા ડિગ્રી ઉપર ચાલ્યો જશે

ગાંધીનગર: (Gandhinagar) આગામી તા.9મી મેના રોજ બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડું (Cyclone) આકાર લઈને ઉત્તર દિશામાં આગળ વધશે, જેના પગલે ફરીથી વરસાદ (Rain) લાવે તેવી સિસ્ટમ સક્રિય થઈ શકે છે. બીજી તરફ રાજયમાં આગામી પાંચ દિવસ દરમ્યાન ગરમીનો પારો 4 ડિગ્રી સુધી ઊંચે જઈ શકે છે. આજે રવિવારે રાજયમાં ગરમીનું પ્રમાણ વધ્યુ હતું. બપોરે અચાનક ગરમી વધી જવા પામી હતી. આજે રાજયમાં સુરેન્દ્રનગરમાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. અહીં ગરમીનો પારો 41 ડિગ્રીએ પહોંચ્યો હતો.

  • આગામી પાંચ દિવસમાં રાજ્યમાં ગરમીનો પારો પાંચ ડિગ્રી ઉપર જશે
  • સૌથી વધુ 41 ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું

હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ આવતીકાલ તારીખ 8મી મેના રોજ વહેલી સવારે 8 વાગ્યા સુધીમાં સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં માવઠું થઈ શકે છે. તે પછી આગામી પાંચ દિવસ દરમ્યાન રાજયમાં આકાશ ચોખ્ખું રહેવા સાથે ગરમીનો પારો ઊંચે જઈ શકે છે.

ગુજરાતમાં હાલમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાંક શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચી ગયો છે. જો કે છેલ્લા 24 કલાકમાં માત્ર 3 તાલુકાઓમા વરસાદ થયો હોત. જેમાં મહિસાગરના સંતરામપુરમાં 10 મીમી , સાબરકાંઠાના પોસીનામાં 9 મીમી અને જામજોધપુરમાં 2 મીમી વરસાદ થયો હતો.

હવામાન વિભાગની ચેતવણી મુજબ રાજયમાં આગામી પાંચ દિવસ દરમિયાન ગરમીનો પારો 4 ડિગ્રી ઊંચે જઈ શકે છે. અમદાવાદ એરપોર્ટ પર આવેલા હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે આજે રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 39 ડિ.સે., ડીસામાં 39 ડિ.સે., ગાંધીનગરમાં 39 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 39 ડિ.સે., વડોદરામાં 39 ડિ.સે., સુરતમાં 35 ડિ.સે., ભૂજમાં 38 ડિ.સે., નલિયામાં 35 ડિ.સે., કંડલા એરપોર્ટ 38 ડિ.સે., ભાવનગરમાં 38 ડિ.સે., રાજકોટમાં 39 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 41 ડિ,સે., અને કેશોદમાં 36 ડિ.સે. જેટલું મહત્તમ તાપમાન નોંધાયુ હતું.

Most Popular

To Top