ગાંધીનગર: (Gandhinagar) અરબી સમુદ્ર પરથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં (Saurashtra Kutch) લો પ્રેશર સિસ્ટમ સરકીને આવી રહી છે, જેના પગલે મંગળવારે દિવસ દરમ્યાન સૌરાષ્ટ્રમાં મેઘાની તોફાની બેટિંગ જોવા મળી હતી. હજુયે આગામી 48 કલાકમા સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની (Rain) ચેતવણી હવામાન વિભાગ દ્વ્રારા આપવામાં આવી છે. દ્વ્રારકા , જામનગર , પોરબંદર , જુનાગઢ અને કચ્છમાં ભારે વરસાદની વકી રહેલી છે. આજે મંગળવારે સાંજે છ વાગ્યા સુધીમાં ગીર સોમનાથમાં વેરાવળમાં (Veraval) સાડા છ ઈંચ અને દ્વ્રારકાના કલ્યાણપુર અને માંગરોળમાં 3 ઈંચ વરસાદ થયો હતો.
દિવસ દરમ્યાન રાજયમાં સાંજે છ વાગ્યા સુધીમાં 88 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો હતો. જેમાં વેરાવળમાં સાડા છ ઈંચ , દ્વ્રારકામાં 2.7ઈંચ , ખંભાળિયામાં 2.4 ઈંચ , સૂત્રાપાડામાં 2.4 ઈંચ , કેશોદમાં સવા બે ઈંચ , પોરબંદરમાં સવા બે ઈંચ , માળિયામાં દોઢ ઈંચ, ગીર ગઢડામાં 1.4 ઈંચ, કચ્છના મુદ્રામાં સવા ઈંચ, કોડિનારમાં સવા ઈંચ, નખત્રામાં સવા ઈંચ, લુણાવાડામાં એક ઈંચ વરસાદ થયો હતો. રાજયમાં એકંદરે 14 તાલુકાઓમાં સાડા છ ઈંચથી એક ઈંચ વરસાદ થયો હતો.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે છેલ્લા 24 કલાકમાં રાજયમાં 149 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ થયો હતો. જેમાં 17 તાલુકાઓ એવા છે કે જેમાં સાડા ત્રણ ઈંચથી એક ઈંચ વરસાદ થયો છે. ખાસ કરીને સુરતના માંગરોળમાં સાડા ત્રણ ઈંચ, ઉમરગામમાં 3 ઈંચ , જુનાગઢના માંગરોળમાં સવા બે ઈંચ , સુત્રાપાડામાં સવા બે ઈંચ , વેરાવળમાં 1.8 ઈંચ , ચોર્યાસીમાં 1.7 ઈંચ , વિસાવદરમાં 1.7 ઈંચ , અણેરલીના ખાંભામાં દોઢ ઈંચ , માળિયામાં 1.3 ઈંચ , રાણાવાવમાં સવા ઈંચ , ગોંડલ રાણપુરમાં 1 ઈંચ વરસાદ થયો હતો. આજે સાંજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે ગાજવીજ સાથે વરસાદ થયો હતો.