ગાંધીનગર: પૂર્વ ભારત તરફથી ગુજરાત (Gujarat) તરફ સરકીને આવી રહેલી લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ હવે ગુજરાતમાં ચોમાસાની (Monsoon) ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ભારે ઉકળાટ અને ગરમી પછી વરસાદથી લોકોને રાહત મળી હતી. રાજ્યમાં ભારે વરસાદથી ખેડૂતોમાં (Farmer) ખુશી જોવા મળી રહી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ જણાવ્યા મુજબ આગામી 72 કલાકમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ (Heavy Rain) થઈ શકે છે. જ્યારે આગામી તા. 29મી જૂન સુધી ભારે વરસાદની ચેતવણી જાહેર કરાઈ છે.
ગુજરાતમાં ચોમાસાના આગમનને પગલે અત્યાર સુધી સરેરાશ 13.45 ટકા વરસાદ પડ્યો છે. જેમા સૌથી વધુ કચ્છ ઝોનમાં 67.33 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી ઓછો 3.19 ટકા વરસાદ નોંધાયો છે. છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં 154 તાલુકામાં મેઘરાજા વરસ્યા છે. ગુજરાતમાં સવારથી વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. આ ઉપરાંત ઘણી જગ્યા પર ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિત પણ સર્જાઈ છે. આજે સુરતમાં 29, કડાણામાં 24, વલસાડમાં 20, માંડવીમાં 15 જ્યારે ધરમપુરમાં 10મીમી વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતને યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે અમદાવાદમાં પણ આજથી ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના 207 ડેમ પૈકી 5 ડેમ હાલ સંપૂર્ણ ભરેલા છે.
સોમવારે સુરત, વડોદરા, અમદાવાદમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. વડોદરાના રાવપુરા વિસ્તાર જળબંબાકાર થઈ ગયો હતો. ધોધમાર વરસાદથી દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. 24 કલાકની વાત કરીએ તો 154 તાલુકામાં 1 મીમીથી 131 મીમી સુધી વરસાદ નોંધાયો છે. જ્યારે વલસાડ, ખેડા, મોરબી, અમદાવાદ તથા સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ થયો છે. વલસાડના ઉમરગામમાં સવા પાંચ ઈંચ વરસાદ થયો છે. આ ઉપરાંત ખેડાના મહેમદાવાદમાં સાડા ચાર ઈંચ વરસાદ થયો છે. વલસાડ સિવાય ખેડા જિલ્લામાં સોમવારે નદી નાળા છલકાઈ જાય તેટલો ભારે વરસાદ થયો છે. ખેડા આણંદ તથા વડોદરામાં પણ ભારે વરસાદ થયો છે.