નૈઋત્યનું ચોમાસું ગુજરાતની નજીક પહોંચ્યું છે ત્યારે ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના ઘણા ભાગોના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેના કારણે લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. રાજ્યના અમરેલી જિલ્લામાં રવિવારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ઘણા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. અરવલ્લીમાં પણ વરસાદ પડ્યો હતો. ચોમાસું સમય કરતાં બે દિવસ વહેલા મુંબઇ પહોંચ્યું છે ત્યારે મુંબઇમાં વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થયો છે. ચોમાસું ગુજરાતથી માત્ર 150 કિમી દૂર છે. અંબાલાલ પટેલ અનુસાર 9થી 12 જૂન વચ્ચે દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં આંધી વંટોળ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
બીજી તરફ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ સામાન્યથી મધ્મ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં પણ 9 તારીખે રવિવારથી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.
બીજી તરફ રવિવારે અમરેલીના ખાંભા, બોરાલા, ખડાધાર, ધાવડિયા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. અહીં ભારે પવન અને વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અરવલ્લીના બે તાલુકામાં વરસાદ પડ્યો હતો. ભિલોડા અને મોડાસા તાલુકાના ઈસરોલ, જીવણપુર, સુનોખ, વાસેરાકંપા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદથી કેટલાક વિસ્તારમાં વીજળી ડુલ થવાના બનાવ પણ સામે આવ્યા હતા. મોડી રાત્રે સાબરકાંઠાનાં ઈડર, હિંમતનગરમાં વરસાદ પડ્યો હતો.
અંબાલાલ પટેલે 9થી 12 જૂન વચ્ચે દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વિજળી વંટોળ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. 17થી 19 જૂન વચ્ચે અરબ સાગરમાં લો પ્રેશર સર્જાશે જ્યારે બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન સર્જાશે અને દેશના મધ્ય ભાગોમાં જમીની વિસ્તારમાં લો પ્રેશર બનશે. આ સ્થિતિ જોતા દેશના ઘણા ભાગોમાં 21 જૂન બાદ ભારે વરસાદની શક્યતા છે.
દેશમાં હીટવેવના કારણે દિલ્હી, યુપી, રાજસ્થાન, બિહાર, ઝારખંડ અને મધ્યપ્રદેશમાં હાલત ખરાબ છે તેવામાં ગરમીથી રાહતના સમાચાર છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર આગામી ચાર દિવસમાં દેશના ઘણા રાજ્યોમાં વરસાદ પડી શકે છે. મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારમાં 6 જૂને ચોમાસું આવી ગયું છે. ચોમાસું હવે રત્નાગીરી અને સોલાપુર તરફ આગળ વધી રહ્યું છે. 9 જૂને મુંબઈમાં ચોમાસું આવ્યા બાદ તે ગુજરાત તરફ આગળ વધશે.