Gujarat

ભાવનગર, અમદાવાદ તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ

ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં સાંજે વાતાવરણમાં (Atmosphere) અચાનક પલટો આવ્યો હતો અને હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ ભાવનગર, અમદાવાદ તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં કરા પડ્યા હતા રાજ્યમાં 16 જેટલા તાલુકાઓમાં સરેરાશ બે મી.મી. થી બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

  • ઉત્તર ગુજરાતના મહેસાણાના બેચરાજીમાં બે ઇંચ કમોસમી વરસાદ
  • અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં કરા પડ્યા – મીઠાખળી અંડરપાસમાં પાણી ભરાયા
  • રાજ્યના 14 તાલુકાઓમાં બે મીમીથી બે ઈંચ સુધી વરસાદ

હવામાન ખાતા દ્વારા સૌરાષ્ટ્ર –કચ્છ, ઉત્તર ગુજરાત અમદાવાદ સહિતના વિસ્તારોમાં આગામી ત્રણ દિવસની વરસાદની આગાહી આપવામાં આવી હતી. આજે સાંજે ભાનવગર, અમદાવાદ, ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો સાથે, આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘસી આવતા ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. આજે સવારે 6-00 વાગ્યાથી રાત્રે 8-00 વાગ્યા સુધીમાં રાજ્યના 16 જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો.

ગાંધીનગરના ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા પ્રમાણે મહેસાણાના બેચરાજી ખાતે બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. તેવી જ રીતે અમદાવાદ શહેરમાં લગભગ બે ઇંચ જેટલો વરસાદ થયો હતો. મહેસાણાના કડીમાં ૨૯ મી.મી., ભાવનગરના સિહોરમાં 23 મી.મી., અમદાવાદના ધોળકામાં 18 મી.મી., પાટણના ચાણસ્મામાં 17 મી.મી., ગાંધીનગરના કલોલમાં 16 મી.મી., મહેસાણાના જોટાણામાં 12 મી.મી., ગાંધીનગરમાં 6 મી.મી., જ્યારે સિધ્ધપુર, ભાવનગર, વલભીપુર, હારીજમાં બે મી.મી. વરસાદ નોંધાયો હતો.

અમદાવાદમાં સમી સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. અમદાવાદ શહેરના વેજલપુર જીવરાજપાર્ક મણીનગર બાપુનગર ચાંદખેડા સહિતના વિસ્તારોમાં કરા પડ્યા હતા. અમદાવાદમાં આજે આઈપીએલ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં વરસાદ વિઘ્ન રૂપ બન્યો હતો.

અમદાવાદ શહેરમાં સાંજે 6 વાગ્યાની આસપાસ ગાજવીજ અને જોરદાર પવન સાથે શહેરના સરખેજ, સેટેલાઈટ, વસ્ત્રાપુર, પ્રહલાદનગર, એસજી રોડ, સેટેલાઈટ, નારણપુરા, વેજલપુર, ઘાટલોડિયા, મણિનગર, સાબરમતી, ચાંદખેડા, નરોડા, નિકોલ, બાપુનગર સહિતના વિસ્તારમાં લગભગ બે કલાક સુધી વરસાદ પડ્યો હતો. ક્યાંક જોરદાર ઝાપટા તો ક્યાંક ઝરમર ઝરમર વરસાદ સતત બે કલાક સુધી ચાલ્યો હતો. જેને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદને કારણે અમદાવાદમાં મીઠાખળી અંડરપાસમાં પાણી ભરાઈ જતાં થોડોક સમય માટે આ અંડરબ્રિજ વાહન ચાલકો માટે બંધ કરવો પડ્યો હતો.

ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો થયો હતો, જેથી સાબરમતી નદી બે કાંઠે વહેવા લાગી હતી. સાબરમતી નદીમાં પાણીની આવક થતાં વાસણા બેરેજના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે, જેમાંથી લગભગ 6000 ક્યુસેક પાણી છોડાયું છે.

Most Popular

To Top