Gujarat

મંત્રી રાઘવજી પટેલની તબિયત સ્થિર, બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ

રાજકોટ: (Rajkot) રાજ્યનાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ (Raghavji Patel) શનિવારે રાત્રે જામનગરના પસાયા બેરાજામાં  ગામ ચલો અભિયાન કાર્યક્રમમાં હતા તે દરમ્યાન અચાનક તેમને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. તબિયત બગડતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે હાલ તેઓની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

ખાનગી હોસ્પિટલમાં જ્યાં સારવાર ચાલી રહી છે, ત્યાંથી તેમના હેલ્થ બૂલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે તેમને વહેલી સવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં રાઘવજી પટેલની તબિયત સ્થિર છે. રાઘવજીનું બીપી અને ડાયાબિટીસ કંટ્રોલમાં છે. રાઘવજી પટેલને રાત્રિના બ્રેઇન સ્ટ્રોક આવતા તેમને સારવાર માટે તાત્કાલિક ધોરણે જામનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને પ્રાથમિક તમામ સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ રાત્રિના ત્રણ વાગ્યે વધુ સારવાર માટે તેમને રાજકોટની ખાનગી હોસ્પિટલ લઈ આવવામાં આવ્યા હતા. જ્યાં તેમને ન્યુરોલોજીસ્ટની ટીમ દ્વારા આઇસીયુમાં રાખી સારવાર શરૂ કરી દેવામાં આવી હતી.

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને માઈનોર બ્રેઈન સ્ટ્રોક આવ્યા બાદ હાલ તેઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે. રાઘવજી પટેલની ખબર અંતર પૂછવા માટે ભાજપના અનેક અગ્રણીઓ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. બીજી તરફ સૂત્રોના જણાવ્યું પ્રમાણે રાઘવજી પટેલને વધુ સારવાર અર્થે મુંબઈ લઈ જવાય તેવી શક્યતા હતી. મુંબઈની 3 હોસ્પિટલનો અભિપ્રાય પણ લેવામાં આવ્યો હતો. જોકે હાલ તેઓની તબીયત સુધારા પર હોવાથી તેઓનો રાજકોટમાં જ ઇલાજ કરાય તેવી શક્યતા છે.

મળતી માહિતી મુજબ રાજકોટના સીનર્જી હોસ્પિટલના તબીબ ડો.જયેશ ડોબરીયાએ જણાવ્યું કે રાઘવજી પટેલનું સવારે સીટી સ્કેન કરવામાં આવ્યું હતું. સિટી સ્કેનમાં તેમના સ્વાસ્થ્યને વધુ નુકશાન ન થયું હોવાનું જાણવા મળ્યું છે. રાઘવજી પટેલને આગામી બે-ત્રણ દિવસ ICUમાં તબીબોની નજર હેઠળ રખાશે તેવી શક્યતા છે.

Most Popular

To Top