અમદાવાદ: ગુજરાત (Gujarat) રાજ્યમાં દિવસે ને દિવસે ગુનાખોરી વધી રહી છે. ગુજરાત રાજ્યમાં જેલમાં બંધ કેદીઓના આંકડા દર્શાવે છે કે ગુજરાત ગુનાખોરીના મોડેલ તરફ વધી રહ્યું છે. ગુજરાત રાજ્યની જેલોમાં કેદીઓની ક્ષમતા કરતા વધુ કેદીઓને રાખવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યમાં જેટલી જેલમાં કેદીઓ પૂરવાની ક્ષમતા કરતા દોઢા આરોપીઓ – ગુનેગારો ફરાર છે. ગુજરાત રાજ્યની જેલની ક્ષમતા ૧૩,૯૯૯ કેદીઓની છે તેની સામે જેલમાં ૧૬,૫૯૭ કેદીઓ બંધ છે. ક્ષમતા કરતા જેલમાં ૨૫૯૮ કેદીઓ વધુ છે. કોઈ પણ ચમરબંધીને નહિ છોડવા વાત કરતા ભાજપા સરકારમાં ૨૨,૬૯૬ આરોપીઓ પોલીસ પકડથી દુર છે. શું આ બધા આરોપીઓ પકડાઈ જશે તો ક્યાં રાખવામાં આવશે? નવી જેલ બનાવશે? ક્યારે બનાવશે?
પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે, પોલીસ તંત્ર ખુબ આધુનિક છે તેવા બણગા ફૂકનારી સરકાર અને આધુનિકરણ દિશામાં ભાજપ સરકારની મંશા લોકસભાના પટલ પરના આંકડા છતી કરે છે. હાલમાં ગુજરાતમાં ૧૨૩ જેટલા પોલીસ સ્ટેશન સીસીટીવીથી વંચિત છે. આ આંકડા દર્શાવે છે કે, પોલીસના આધુનિકરણમાં સરકાર કેટલી ગંભીર છે ? કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત પોલીસ આધુનિકરણ માટે ફળવાયેલા ૨૫.૫૮ કરોડ કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા બે વર્ષ (૨૦૨૦-૨૦૨૧,૨૦૨૧-૨૦૨૨) થી રિલીઝ કરવામાં આવ્યા નથી. કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા બે વર્ષ થી સારી કામગીરી માટેનું પ્રોત્સાહન ફંડ પણ આપવામાં આવ્યું નથી.
કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦૨૦માં ગુજરાત રાજ્યને પ્રોત્સાહન ફંડ ૧૫.૬૧ કરોડ આપવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના ગૃહ વિભાગની નબળી કામગીરીની જવાબદારી લઈ ગુજરાતના ગૃહમંત્રીએ રાજીનામું આપવું જોઈએ.