SURAT

સરકાર સુમુલના બોર્ડને તાત્કાલિક બરખાસ્ત કરે, કોણે-કેમ કરી આવી માંગણી?

સુરત: ઓલપાડની સાંધીએર દૂધમંડળીના સભાસદ અને પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકે પુરાવા સાથે સુમુલમાં વર્તમાન બોર્ડ ઓફ ડિરેક્ટર્સને બરખાસ્ત કરી તાત્કાલિક વહીવટદાર મૂકવા મુખ્યમંત્રી, રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ ગુજરાત રાજ્યને રજૂઆત કરી છે.

  • મંડળીઓના હુંફાળા દૂધમાં મહારાષ્ટ્રના ઠંડા દૂધની ભેળસેળ
  • અમૂલ પેટર્નનો ભંગ કરી મહારાષ્ટ્રના દૂધનો વેપલો કરવા બદલ ડિરેક્ટરોને બરખાસ્ત કરી સરકાર વહીવટદારની નિમણૂક કરે: દર્શન નાયક

નાયકે “ધી સુરત-તાપી ડિસ્ટ્રિક્ટ કો-ઓપેરેટિવ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લિ. (સુમુલ)”માં વહીવટી બેદરકારી માટે જવાબદાર બોર્ડને તત્કાળ બરખાસ્ત કરી એક તપાસ સમિતિ દ્વારા તપાસ કરાવી જવાબદાર સામે કાર્યવાહી કરવા માંગ કરી છે. ઉપરાંત અગાઉ થયેલી ૧૦૦૦ કરોડની ગેરરીતિ અને વ્યહીવટી બેદરકારી અન્વયે ઉચ્ચ કક્ષાએથી તપાસ થવી જોઈએ.

જિલ્લા રજિસ્ટ્રાર અને ઓડિટર મિલ્ક જેવા અધિકારીઓની જવાબદારી પણ ફિક્સ કરવામાં આવે
દર્શન નાયકે વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ) સુરત અને તાપી બંને પોતે “ધી સુરત-તાપી ડિસ્ટ્રિક્ટ કો-ઓપેરેટિવ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લિ. (સુમુલ)” ડેરીમાં ડિરેક્ટર તરીકે વહીવટમાં છે. વધુમાં જિલ્લા રજિસ્ટ્રાર અને ઓડિટર મિલ્ક જેવા અધિકારીઓની જવાબદારી પણ ફિક્સ કરવામાં આવે.

ઉઘાડી લૂંટ પછી રજિસ્ટ્રાર જગ્યા: સૂચિત મંડળી અને મંડળો પાસે દૂધ ન લેવા સુમુલને પત્ર લખ્યો
વહીવટી અધિકારી તરીકે સુમુલના ડિરેક્ટર એવા જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ સુરત સુમુલની મંડળીઓમાં મહારાષ્ટ્રના ઠંડા દૂધની ભેળસેળ મામલે ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળું મારવા સક્રિય થયા છે. અમૂલ પેટર્ન મુજબ દૂધ સ્વીકારવા સુમુલના ચેરમેન અને એમડીને પત્ર લખ્યો છે. ખાનગી દૂધ ખરીદ કેન્દ્રો તથા ગામમાં નોંધાયેલી સહકારી મંડળી હોય તેમ છતાં સૂચિત મંડળી શરૂ કરી તેના મારફત દૂધ સ્વીકારવામાં આવે છે.

ખાનગી દૂધ ખરીદ કેન્દ્રો અને સૂચિત સહકારી મંડળીઓ સહકારી કાયદા હેઠળના પરિપ્રેક્ષ્યની બહાર હોવાથી તેમાં ગેરરીતિને અવકાશ રહે છે. જેથી સભાસદ પશુપાલકોનું હિત જોખમાય છે. કેન્દ્ર સરકારના ‘સહકારથી સમૃદ્ધિ’ના વિઝનને સાકાર કરવા ખાનગી દૂધ ખરીદ કેન્દ્રો તથા જે ગામમાં નોંધાયેલી દૂધ સહકારી મંડળી હોય તો તેવાં ગામોની સૂચિત દૂધ સહકારી મંડળીમાંથી દૂધ સ્વીકારવાની કામગીરી સત્વરે બંધ કરવા જરૂરી કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે.

Most Popular

To Top