ગુજરાતના (Gujarat) દરિયામાંથી વધુ એકવાર મોટી માત્રામાં નશીલો પદાર્થ ઝડપાયો છે. પોરબંદરના (Porbandar) દરિયામાંથી 90 કિલો ડ્રગ્સ (Drugs) ઝડપાયું છે. એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન 90 કિલો હેરોઈન સાથે 14 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી છે. જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત લગભગ 600 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
ભારતીય કોસ્ટ ગાર્ડે રવિવાર 28 એપ્રિલે અરબી સમુદ્રમાં ગુજરાતની દરિયાઈ સરહદે એક ઓપરેશન પાર પાડ્યું હતું. આ કામગીરી અંતર્ગત 14 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી હતી. આમાંથી સાત લોકો 90 કિલો ડ્રગ્સ સાથે ઝડપાયા હતા. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB), ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડે સંયુક્ત રીતે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ડ્રગ્સની દાણચોરીને રોકવા માટે ઓપરેશન હાથ ધર્યું હોવાના અહેવાલ છે. સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર આ અંગેની ગુપ્ત માહિતી થોડા દિવસો પહેલા જ મળી હતી. આ પછી એજન્સીઓએ સાથે મળીને પૂરી તૈયારી સાથે ડ્રગ્સની દાણચોરી અટકાવી હતી.
સુરક્ષા એજન્સીઓને મળેલી માહિતી પ્રમાણે પાકિસ્તાની બોટને ઝડપી પાડવામાં આવી હતી. આ બોટમાંથી 90 કિલો જેટલા ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જેની બજાર કિંમત 600 કરોડ રૂપિયા જેટલી થાય છે. આ બોટમાં 14 જેટલા પાકિસ્તાની મેમ્બર્સ સવાર હતા. તમામની ધરપકડ કરવામાં આવી છે. આ ક્રૂ મેમ્બર અને ડ્રગ્સના જથ્થાને મોડી રાત સુધી પોરબંદર લાવવામાં આવે તેવી શક્યતાઓ છે.
જણાવી દઈએ કે શનિવારે ગુજરાત ATS અને NCBના સંયુક્ત ઓપરેશન હેઠળ ગાંધીનગરના પીપળજમાંથી ડ્રગ્સની ફેકટરી ઝડપાઈ હતી. આ કાર્યવાહી અંતર્ગત ગાંધીનગર, અમરેલી અને રાજસ્થાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 10થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ગાંધીનગરમાંથી ઝડપાયેલી ફેક્ટ્રીમાં વિવિધ પ્રકારના ડ્રગ્સ માટેનું રો-મટિરિયલ તૈયાર કરવામાં આવતું હોવાની માહિતી મળી છે.