ગાંધીનગર: ગુજરાત પોલીસે સાયબર ક્રાઈમ સામે બેવડી સફળતા મેળવી છે, જેમાં છેતરપિંડીનો ભોગ બનેલા લોકોને ₹૫.૫૧ કરોડથી વધુની રકમ પરત અપાવવામાં આવી છે અને ₹૮૦૪ કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમ સિન્ડિકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સ દ્વારા નાગરિકોને તેમના ઐતિહાસિક રકમ પરત અપાવવામાં આવી છે. એક મોટા કિસ્સામાં, વડોદરાના એક સિનિયર સિટીઝનને પ્રતિષ્ઠિત ઇન્સ્યોરન્સ કંપનીઓના નામે જંગી નફાની લાલચ આપી છેતરવામાં આવ્યા હતા, જેમના ₹૪.૯૧ કરોડ પોલીસે સફળતાપૂર્વક ફ્રિઝ કરાવી પરત અપાવ્યા. અન્ય એક ભયાનક કિસ્સામાં, અમદાવાદની એક સિનિયર સિટીઝન મહિલાને નકલી પોલીસ અધિકારી બની ડિજિટલ અરેસ્ટ કરી, ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપી ૧૨ દિવસ સુધી SKYPE પર નજરકેદ રાખી ₹૪૮ લાખ પડાવી લેવાયા હતા, તે રકમ પણ પોલીસે પરત અપાવી છે. આ ઉપરાંત, “ROCK CREEAK” નામની નકલી ટ્રેડિંગ એપ દ્વારા એક પરિવાર સાથે થયેલી ₹૧૨.૭૦ લાખની છેતરપિંડીના નાણાં પણ પોલીસે રિકવર કરી પરત કર્યા છે.
આજે ગાંધીનગરમાં ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ગુજરાતના નાગરિકોની પરસેવાની કમાણી પર તરાપ મારનારા સાયબર ઠગ સામે ગુજરાત પોલીસે જંગ છેડી છે. ગૃહ રાજ્ય મંત્રીએ નાગરિકોને સાયબર સુરક્ષા કવચ અપનાવવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે કોઈપણ સાયબર ફ્રોડનો ભોગ બન્યાના ગોલ્ડન અવર એટલે કે પ્રથમ કલાકમાં જ સાયબર હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર ફોન કરવો અત્યંત જરૂરી છે. તેમણે સ્પષ્ટતા કરી કે ભારતમાં ડિજિટલ અરેસ્ટ જેવી કોઈ કાયદાકીય જોગવાઈ નથી, અને આવા નકલી કોલ્સથી ડરવાની જરૂર નથી. તેમણે સોશિયલ મીડિયા પર રાતોરાત કરોડપતિ બનાવતી સ્કીમ અને અજાણી લિંકથી સાવચેત રહેવા જણાવ્યું હતું. સંઘવીએ નાગરિકોને ચેતવ્યા હતાં કે પૈસાની લાલચમાં પોતાનું બેંક ખાતું કે સિમકાર્ડ કોઈને પણ વાપરવા આપવું એ ગંભીર ગુનો છે અને આમ કરનાર ફ્રોડનો ભાગીદાર ગણાશે. અંતમાં, સંઘવીએ સાયબર ગુનેગારોને ચેતવણી આપતા કહ્યું હતું કે ગુજરાતની ધરતી પર સાયબર ગુનેગારો માટે કોઈ સ્થાન નથી. તમે દુનિયાના કોઈપણ ખૂણામાં કે પાતાળમાં પણ છૂપાયા હશો, તો પણ ગુજરાત પોલીસ તમને શોધી કાઢશે અને કાયદાના હવાલે કરશે.
૮૦૪ કરોડનું આંતરરાષ્ટ્રીય સાયબર કૌભાંડ ઝડપાયું, સુરતમાંથી 10 ઝડપાયા
ગુજરાત પોલીસે દુબઈ, વિયેતનામ અને કંબોડિયાથી ઓપરેટ થતા એક વિશાળ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ સામાન્ય નાગરિકોને દોઢ-બે ટકા કમિશનની લાલચ આપી તેમના બેંક ખાતા અને સિમકાર્ડ મેળવી, તેનો ઉપયોગ દેશભરમાં સાયબર ફ્રોડ આચરવા માટે કરતી હતી. આ ગેંગ દ્વારા દેશભરમાં ૧૫૪૯ ગુના આચરી અંદાજે ₹૮૦૪ કરોડની ઠગાઈ કરવામાં આવી છે, જે પૈકી ગુજરાતમાં ૧૪૧ ગુનામાં ₹૧૭.૭૫ કરોડની છેતરપિંડીનો સમાવેશ થાય છે. આ ઓપરેશનમાં સુરતમાંથી ૧૦ મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગ દ્વારા સમગ્ર દેશમાં 1549 ગુનાઓ આચરીને 804 કરોડની સાયબર ઠગાઈ કરી છે. સાયબર એકસેલન્સ સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે આ કેસમાં સુરતમાંથી ભાવેશ રવજીભાઈ ચૌહાણ, રાજેશ પરષોત્તમ સોજીત્રા, કિશોર નાનજીભાઈ પરમાર, રાજુભાઈ માવજીભાઈ સાંકળીયા, મયંક અંબાલાલ દેવડા, નરેશ અંતરસીંગ ભયડિયા, ઈમરાન અલિયારખાન પઠાણ, રકીમ મહોમદઅલી ચુનારા, કલ્પેશ દેવજીભાઈ પડાયા અને અફરોઝખાન અફઝનખાન ઝડપાયા છે.