ગાંધીનગર : પીએમ (PM) નરેન્દ્ર મોદીએ આજે સવારે રાજ્યની રાજધાની ગાંધીનગર (Gandhinagar) રેલવે મથકેથી (Railway Station) વંદે ભારત ટ્રેનને (Train) લીલી ઝંડી બતાવી હતી. જયારે અમદાવાદમાં મેટ્રો રેલના પ્રથમ ફેઝની વસ્ત્રાલથી દૂરદર્શન કેન્દ્ર સુધીની રેલ સેવાનો પણ આરંભ કરાવ્યો હતો. અમદાવાદમાં થલતેજ એજયુકેશન સોસાયટી ગ્રાઉન્ડ ખાતે જનસભાને સંબોધન કરતાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ગુજરાતને ડબલ એન્જીન સરકારનો લાભ મળ્યો છે.
બંને ટ્રેન સેવાના આરંભ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, ‘‘21મી સદીના આધુનિક ભારત, અર્બન કનેક્ટિવિટી અને આત્મનિર્ભર ભારત માટે આજે ઐતિહાસિક દિવસ છે. દેશની ત્રીજી અને ગુજરાતની પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન આજે દેશની જનતાને ઉપલબ્ધ બની છે. વંદે ભારત ટ્રેનમાં મેં ઝડપી ગતિની મુસાફરીની ગૌરવપૂર્ણ ક્ષણોનો અહેસાસ કર્યો. દેશની આ ત્રીજી અને ગુજરાતની પહેલી વંદે ભારત ટ્રેન છે. દેશમાં આગામી સમયમાં આવી 75 વંદે ભારત ટ્રેન દોડવાની છે.’’
વંદે ભારતમાં મુસાફરીના અનુભવ અંગે વધુ વાત કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ‘‘વંદે ભારત ટ્રેનમાં વિમાન મુસાફરી કરતાં 100માં ભાગનો જ અવાજ આવતો હોય છે, અમે શાંતિથી એકબીજા સાથે વાત કરી શકતા હતા. આને જોતાં મને લાગે છે કે સો ગણી શાંત મુસાફરીને કારણે હવાઈ જહાજમાં જનારા પણ વંદે ભારત ટ્રેનનો આગ્રહ રાખતા થઈ જશે. અમદાવાદી મિજાજને બિરદાવતા વડાપ્રધાને જણાવ્યું હતું કે મને આશા છે કે સૌથી વધુ આર્થિક લાભ કરે અને ઝડપી ગતિએ એક સ્થળેથી બજા સ્થળે પહોંચાડે, એવી મેટ્રોનો અમદાવાદીઓ સૌથી વધુ ઉપયોગ કરશે.અમદાવાદ મેટ્રોની વાત કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે 32 કિલોમીટર લાંબો મેટ્રો ટ્રેક શરૂ થયો છે, આટલો લાંબો ટ્રેક દેશમાં પહેલી વાર અમદાવાદમાં બન્યો છે, જે એક રેકોર્ડ છે. મેટ્રોના બીજા તબક્કામાં ગાંધીનગરને અમદાવાદ સાથે કનેક્ટ કરવામાં આવશે’’.
ગતિ અને કનેક્ટિવિટી આજના સમયની માગ છે, જે વંદે ભારત ટ્રેન અને મેટ્રો પૂરી પાડશે, એમ જણાવીને પીએમ મોદીએ કહ્યું હતું કે શહેરો સતત આધુનિક બનવા જોઈએ અને સાથે સાથે ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી પણ આધુનિક અને એકબીજા માધ્યમોને સપોર્ટ કરે, તેવી હોવી જોઈએ. છેલ્લાં આઠ વર્ષમાં બે ડઝનથી વધારે શહેરોમાં મેટ્રો શરૂ થઈ છે કે પછી ઝડપથી તેનું કામ ચાલી રહ્યું છે. ‘ઉડાન’ યોજના થકી આજે નાનાં શહેરોમાં પણ હવાઈ મુસાફરી શક્ય બની છે, એમ તેમણે ઉમેર્યું હતું. આજે ગાંધીનગરનું રેલવે સ્ટેશન વિશ્વના કોઈ પણ એરપોર્ટ કરતાં પણ ચડિયાતું છે. બે દિવસ પહેલાં જ અમદાવાદના રેલવે સ્ટેશનને આધુનિક બનાવવાના પ્રોજેક્ટને કેન્દ્રની મંજૂરી મળી ચૂકી છે. ગુજરાતને ડબલ એન્જિનની સરકારનો લાભ મળી રહ્યો છે, એમ વડાપ્રધાને જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, શહેરો જ આવનારાં 25 વર્ષમાં વિકસિત ભારતના નિર્માણને સુનિશ્ચિત કરવાનાં છે. માત્ર કનેક્ટિવિટી જ નહિ, મૂળભૂત સુવિધાઓના વિકાસથી માંડીને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સરકાર પ્રયાસરત છે.
તેમણે જણાવ્યું હતું કે ટ્વિન સિટીનું ઉત્તમ ઉદાહરહણ અમદાવાદ-ગાંધીનગર છે. આગામી સમયમાં ગુજરાતમાં અને ભારતમાં અનેક ટ્વિન સિટીનું નિર્માણ કરવાનું આયોજન છે. ગુજરાતમાં પણ આગામી દિવસોમાં ટ્વિન સિટી વિકસાવાશે. આ ઉપરાંત ગ્લોબલ બિઝનેસને સપોર્ટ કરે એવા ગિફ્ટ સિટી જેવા મોડર્ન સિટીનો વિકાસ પણ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર દેશ આજે ગિફ્ટ સિટીનો વિકાસ જોઈને પ્રશંસા કરે છે. ગિફ્ટ સિટી હજારો લોકોને રોજગારી આપનાર કેન્દ્ર બની ગયું છે.
મોદીએ વધુમાં કહ્યું હતું કે, સામાન્ય નાગરિકની સુવિધા કેવી રીતે વધે, સીમલેસ કનેક્ટિવિટીનો લાભ તેને કઈ રીતે મળે, એને ધ્યાનમાં રાખીને મેટ્રો જેવા પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવે છે. સામાન્ય નાગરિકની જરૂરિયાતની કાળજી સાથે દેશને નવી ઊંચાઈએ લઈ જવા માટેની વિકાસ યાત્રા ચલાવવામાં આવી રહી છે. ગરીબ લોકો પણ વંદે ભારત ટ્રેનને પસંદ કરી રહ્યા છે, કેમકે તેમાં લગેજ માટે વધારે જગ્યા હોય છે તથા ઝડપથી પહોંચાડતી હોવાથી તેમની ટિકિટના રૂપિયા વસૂલ થઈ જતાં હોય છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે શહેર હોય કે રેલવે, પહેલાંના સમયમાં તેના વિકાસ માટે ગંભીર પ્રયાસો થયા નહોતા. અગાઉની સરકારોમાં ચૂંટણીના નફા-નુકસાનનો વિચાર કરીને પ્રોજેક્ટ તૈયાર થતા હતા.આજની ડબલ એન્જિન સરકારે આ માનસિકતા બદલી છે. મજબૂત અને દૂરદૃષ્ટિવાળું માળખું તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આઝાદીના અમૃત કાળમાં વિકસિત ભારત માટે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા પ્રયાસરત છીએ, એવું તેમણે ઉમેર્યું હતું.
મોદીએ શિક્ષણ તંત્ર અને વાલીઓને અનુરોધ કર્યો હતો કે તમારાં બાળકોને મેટ્રોની મુસાફરી કરવા લઈ જજો. તેમને મેટ્રો અને તેના નિર્માણ, ટેક્નોલોજીની વાતો સમજાવજો. દેશમાં ટેક્નોલોજીથી કેવી પ્રગતિ થઈ રહી છે. આ જોઈને તેમને પણ સફળ ઇજનેર બનવાનું, દેશ માટે કંઈક કરવાની ભાવના પેદા થશે. મેટ્રો માત્ર સફર નહીં, સફળતા માટે કામ આવવી જોઈએ, એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.