ગાંધીનગર: ભાજપશાસિત (BJP) રાજ્યોનાં મહાનગરોના મેયર તથા ડે મેયરની બેદિવસીય રાષ્ટ્રીય સમિટનો ગાંધીનગરમાં (Gandhinagar) મંગળવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા દ્વારા આરંભ કરાવવામાં આવ્યો હતો. પીએમ નરેન્દ્ર મોદીએ આ મેયર સમિટને વર્ચુઅલ સંબોધન કરતાં કહ્યું હતું કે, આઝાદીના અમૃત કાળમાં આવનારાં 25 વર્ષ માટે ભારતના શહેરી વિકાસના એક રોડ મેપ બનવવામાં આ સંમેલનની મહત્ત્વની ભૂમિકા રહેશે. આપણા દેશના પ્રજાજનોએ ખૂબ લાંબા સમયથી શહેરોના વિકાસ માટે ભાજપ પર જે વિશ્વાસ રાખ્યો છે તેને જાળવી રાખવો તે આપણા બધાની જવાબદારી છે. તેમણે કહ્યું હતું કે, આપણા શાસનના ગવર્નન્સ મોડલ, શહેરી વિકાસમાં પણ આ મંત્ર સાર્થક થતો દેખાય છે. ગુજરાતની પ્રજાની સેવા કરવાની મને પણ પહેલા તક મળી. ગુજરાતમાંથી મને ધારાસભ્ય બનવાની તક મળી પછી પ્રજાએ મુખ્યમંત્રી બનવાનાં આશીર્વાદ આપ્યાં.
તેમણે જણાવ્યું હતું કે, આઝાદીના અમૃતકાળમાં આજે ભારત અર્બન ઇન્ફાસ્ટ્રક્ચર પર મોટું રોકાણ કરી રહ્યું છે. 2014 સુધી આપણા દેશમાં મેટ્રો નેટવર્ક 250 કિ.મી.થી પણ ઓછું હતું. આજે દેશમાં મેટ્રો નેટવર્ક 775 કિ.મી.થી પણ વધી ગયું છે. એક હજાર કિ.મી.ના નવા મેટ્રો રૂટ પર આજે કામ ચાલી રહ્યું છે. આપણો પ્રયાસ છે કે, આપણાં શહેરો હોલિસ્ટિક લાઇફસ્ટાઇલનું કેન્દ્ર બને. આજે 100થી વધુ શહેરોમાં સ્માર્ટ સુવિધાનું નિર્માણ થઇ રહ્યું છે. અત્યાર સુધી દેશભરમાં 75,૦૦૦ કરોડથી વધુના પ્રોજેક્ટ પૂર્ણ થયા છે. આપણા શહેરોની મોટી સમસ્યા અર્બન હાઉસિંગની હોય છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના થકી સમગ્ર દેશમાં અંદાજે સવા કરોડ ઘર લોકોને આપવામાં આવ્યાં છે. 2014 પહેલાં શહેરી ગરીબોના ઘર માટે 20 હજાર કરોડની જોગવાઇ હતી, તે પાછલા આઠ વર્ષમાં 2 લાખ કરોડથી પણ વધુની જોગવાઇ કરવામાં આવી છે. આ આંકડો શહેરી ગરીબો પ્રત્યે આપણી પ્રતિબદ્ધતા દેખાડે છે. પ્રજા વચ્ચે જઇ કામ કરવાનો પ્રયાસ કરવામાં આવે તે જરૂરી છે. મધ્યમ વર્ગના લોકોના ઘરનાં સપનાને સાકાર કરવા પણ સરકારે હજારો કરોડ રૂપિયાની મદદ કરી છે. આપણે રેરા જેવા કાયદા બનાવી લોકોનાં હિત સુરક્ષિત કર્યાં છે. ભાજપના મેયરના રૂપમાં અને શહેરના પ્રથમ નાગરિકના રૂપમાં રિયલ એસ્ટેટ સેક્ટરને સારી અને પારદર્શક બનાવવાની આપ સૌની જવાબદારી છે.
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ચુંટાયેલા જનપ્રતિનિધિઓ માત્ર ચૂંટણીને ધ્યાને રાખી વિચાર કરીને કામ ન કરે. ચૂંટણીલક્ષી વિચારો થકી શહેરોનો વિકાસ ન કરી શકાય. આર્થિક ગતિવિધિઓનાં મહત્ત્વપૂર્ણ સેન્ટરના રૂપમાં શહેરોના પ્લાનિંગમાં આપણે વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. શહેરોમાં અર્બનરાઇઝેશન થતું જ રહેવાનું છે, શહેરોની જનસંખ્યા વધતી જવાની છે તેને ધ્યાને લઇ શહેરોમાં કાર્યો કરવામાં આવે. જેથી શહેરોમાં ટુરિઝમ વધે, કોઇ પણ પ્રોડક્ટ માટે જાણીતું બને, શહેરોની અલગ ઓળખ બને તેનું ધ્યાન રાખવું જરૂરી છે. શહેરોના પ્લાનિગનું પણ ડિસેન્ટ્રલાઇઝેશન થવું જોઇએ. રાજ્ય સ્તરે પણ શહેરોનું પ્લાનિંગ થવું જોઇએ.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ જણાવ્યું હતું કે, ભાજપ માત્ર શાસન કરવા સત્તા નથી સંભાળતું, પરંતુ સત્તાના માધ્યમથી જનતા જનાર્દનની સેવા કરવાનો લક્ષ્ય છે. આ સંમેલનમાં મહાનગરના વિકાસમાં મેયર અને ડે.મેયરની ભૂમિકા શું હોવી જોઇએ, નગરવિકાસમાં જે કેન્દ્ર સરકારે કેવી યોજનાઓ બનાવી શકાય, સંગઠન સાથે સમન્વય કેવી રીતે સાંઘી શકાય તે ઉપર ચર્ચા કરવામાં આવશે. આ મેયર સંમેલનમાં સમગ્ર દેશભરમાંથી ભાજપ શાસિત મેયર અને ડે.મેયરોએ કેવી રીતે કામ કરવું, કેવી રીતે કોર્પોરેશનની છબી સુધરે, છેવાડાના માનવીનો વિકાસ કેવી રીતે કરી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવશે.