National

ગુજરાત સહિત નવ રાજ્યોમાં 324 સ્થળોએ NIAનાં દરોડા

નવી દિલ્હી: એજન્સીએ જણાવ્યું હતું કે, આતંકવાદી-ગેંગસ્ટર-નાર્કો નેક્સસ પર મોટા પાયે કાર્યવાહીમાં એનઆઈએએ (NIA) પંજાબ (Punjab) અને હરિયાણા પોલીસ (Police) સાથે બુધવારે નવ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ‘ઓપરેશન ધ્વસ્ત’ હેઠળ 324 સ્થળોએ દરોડા પાડ્યા હતા. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પંજાબ, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, ચંદીગઢ અને મધ્ય પ્રદેશમાં દિવસભરના દરોડા દરમિયાન શસ્ત્રો અને દારૂગોળો, ગુનાહિત સામગ્રી અને 39 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા.

અધિકારીએ જણાવ્યું હતું કે, એનઆઈએએ 129 સ્થળોએ દરોડા પાડ્યા હતા, જ્યારે પંજાબ પોલીસે 17 જિલ્લાઓમાં 143 સ્થળોએ અને હરિયાણા પોલીસે 10 જિલ્લામાં 52 સ્થળોએ દરોડા પાડ્યા હતા. અધિકારીએ ઉમેર્યું હતું કે દરોડા એકસાથે સવારે 5:30 વાગ્યે શરૂ થયા હતા. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ”’ઓપરેશન ધ્વસ્ત’ના ભાગ રૂપે હાથ ધરવામાં આવેલા દરોડા દરમિયાન ઘણા શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી હતી. એનઆઈએએ જણાવ્યું હતું કે, દરોડાનો હેતુ પ્રતિબંધિત આતંકવાદી અર્શ દલ્લા અને લોરેન્સ બિશ્નોઈ, ચેનુ પહેલવાન, દીપક તેતર, ભૂપી રાણા, વિકાસ લગરપુરિયા, આશિષ ચૌધરી, ગુરપ્રીત સેખોન, દિલપ્રીત બાબા અને હરસિમરત સિમ્મા અને અનુરાધા જેવા ખતરનાક ગેંગસ્ટરોની આતંકવાદી સાંઠગાંઠને તોડવાનો હતો. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ”આજના દરોડાઓનું ધ્યાન હથિયાર સપ્લાયર્સ, ફાઇનાન્સર્સ, લોજિસ્ટિક પ્રદાતાઓ અને હવાલા ઓપરેટરો પર હતું, જેઓ પાકિસ્તાન અને કેનેડા જેવા અન્ય દેશોમાં સ્થિત ડ્રગ સ્મગલરો અને આતંકવાદીઓ સાથે કામ કરતી હાર્ડકોર ગેંગ સાથે સંકળાયેલા હતા.”

અધિકારીએ જણાવ્યું કે, દરોડા પાડનારા પક્ષોએ એક પિસ્તોલ, વિવિધ દારૂગોળો (જીવંત અને વપરાયેલ કારતુસ બંને), 60 મોબાઇલ ફોન, પાંચ ડીવીઆર, 20 સિમ કાર્ડ, એક હાર્ડ ડિસ્ક, એક પેન ડ્રાઇવ, એક ડોંગલ, વાઈફાઈ રાઉટર, એક ડિજિટલ ઘડિયાળ, બે મેમરી કાર્ડ, 75 દસ્તાવેજો અને રૂ. 39.60 લાખથી વધુની રોકડ જપ્ત કરી છે.

Most Popular

To Top