ગાંધીનગર(Gandhinagar) : નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર અને રૂરલ ડેવલપમેન્ટ (NBARD) દ્વારા ર૦રર-ર૩ના વર્ષ માટેની એકંદર વાર્ષિક ધિરાણ સંભવિતતા દર્શાવતા સ્ટેટ ફોકસ પેપરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) વિમોચન કર્યુ હતું.
નાબાર્ડ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લાઓ માટે મૂલ્યાંકન કરાયેલા એકંદર વાર્ષિક ધિરાણ સંભવિતતાનું આ ફોકસ પેપર તૈયાર કરવામાં રાજ્ય સરકારના સંબંધિત વિભાગો, બેન્કસ અને અન્ય હિસ્સેદારો સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો. નાબાર્ડ દ્વારા અગ્રિમ ક્ષેત્રે વર્ષ ર૦રર-ર૩ માટે રાજ્યની ધિરાણ સંભવિતતા જે રૂ. ર.૪૮ લાખ કરોડ દર્શાવવામાં આવી છે તેમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં રૂ. ૧.૧૩ લાખ કરોડ, MSME સેક્ટર માટે રૂ. ૧.૦૯ લાખ કરોડ અને અન્ય અગ્રિમ-પ્રાયોરિટી સેક્ટર માટે રૂ. ર૬રપપ કરોડનો હિસ્સો ધરાવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં અગ્રતા ક્ષેત્રના ધિરાણના વિકાસને આકાર આપનારા આ ડૉક્યુમેન્ટને ઝીણવટપૂર્વક તૈયાર કરવા માટેના નાબાર્ડના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
નાબાર્ડના ચીફ જનરલ મેનેજર ડૉ. જ્ઞાનેન્દ્ર મણિ એ આ ડૉક્યુમેન્ટ અંગે કહ્યું હતું કે, બેન્ક દ્વારા તૈયાર કરવામાં આવતા એન્યુઅલ ક્રેડીટ પ્લાન માટેનો તે આધાર બનાવે છે. આ ઉપરાંત આ ડૉક્યુમેન્ટમાં ક્ષેત્રીય મુદ્દાઓ અને વિકાસની સંભાવનાઓને સાકાર કરવા માટેના સૂચનો પણ પ્રકાશિત કરાયા છે.