અમદાવાદ: મહિલાઓના કલ્યાણ અને ઉત્કર્ષ માટે 1993થી શરૂ થયેલા રાષ્ટ્રીય મહિલા કોષમાંથી છેલ્લા પાંચ વર્ષમાં કરોડો રૂપિયા દેશમાં અન્ય રાજ્યોને મળ્યા, પરંતુ ગુજરાતને એકપણ રૂપિયો રાષ્ટ્રીય મહિલા કોષમાંથી સહાય મળી નથી, તેવો જવાબ આજે સંસદ(રાજ્યસભા)માં શક્તિસિંહ ગોહિલના એક પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે આપ્યો હતો.
- 285 કરોડનું બેલેન્સ છતાં મહિલા કોષને બંધ કરવાના નિર્ણય અંગે પુનઃવિચારણા કરવા શક્તિસિંહ ગોહિલની માંગણી
શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની આ નીતિ મહિલાઓ અને મહિલા સંગઠનોને અન્યાયકર્તા છે. રાષ્ટ્રીય મહિલા કોષમાં 37કુલ જગ્યાઓમાંથી 25 જગ્યા ખાલી રાખવામાં આવી છે. સમગ્ર દેશમાં જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં કરોડો રૂપિયા આ યોજનામાંથી મળ્યા હોય, ત્યારે ગુજરાતની મહિલાઓ કે મહિલા સંગઠનોને છેલ્લા પાંચ વર્ષમાં એકપણ રૂપિયો નહીં ફાળવીને કેન્દ્ર સરકારે ગુજરાતને અન્યાય કર્યો છે.
શક્તિસિંહ ગોહિલે માંગ કરી હતી કે, સરકાર પુનઃવિચારણા કરે અને 1993થી મહિલાઓના કલ્યાણ માટે કામ કરતી રાષ્ટ્રીય મહિલા કોશ નિધિને બંધ કરવાના નિર્ણય અંગે પુનઃ વિચારણા કરી રાષ્ટ્રીય મહિલા કોષ નિધિ ફરી શરૂ કરવામાં આવે.
રાષ્ટ્રની મહિલાઓના કલ્યાણ માટે ઊભા કરવામાં આવેલા રાષ્ટ્રીય મહિલા કોષમાંથી એન.જી.ઓ., માઈક્રો ફાઈનાન્સીંગ સંગઠનો તથા એવી સેવાભાવી સંસ્થાઓ કે જે મહિલા સંગઠનો માટે કામ કરતી હોય તેને લોન અને સહાય આપવાની જોગવાઈ રાષ્ટ્રીય મહિલા કોષમાં 1993માં કરવામાં આવી હતી. આ યોજનાના કારણે અનેક મહિલાઓ અને મહિલા સંગઠનોને ફાયદો મળેલ હતો. આ રાષ્ટ્રીય મહિલા કોષમાં રૂ. 285 કરોડનું બેલેન્સ હોવા છતાં આજે રાજ્યસભામાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતુ કે, હવે રાષ્ટ્રીય મહિલા કોશની યોજના જ બંધ કરી દેવામાં આવી છે.