ગાંધીનગર : મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આ ઉપક્રમના છ તબક્કાઓ તા. ૧૩/૦૨/૨૦૨૩થી ૨૭/૦૩/૨૦૨૩ દરમ્યાન પૂર્ણ થયા છે અને કુલ પ૯ જેટલા MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જેના પરિણામે ગુજરાતમાં (Gujarat) કુલ ૯૦,૬૬૫ કરોડ રૂપિયાનું સૂચિત મૂડીરોકાણ આકર્ષિત થયું છે.
એટલું જ નહિ, આ ઉદ્યોગો શરૂ થવાથી ૬૫,૪૩૧ જેટલા લોકોને રોજગારીની તક પ્રાપ્ત થશે. જે ક્ષેત્રોમાં અત્યાર સુધીમાં MOU થયા છે તેમાં કેમિકલ ક્ષેત્રે ૪૦ હજાર, એન્જીનિયરિંગ ક્ષેત્રે ૬ હજાર અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે પાંચ હજાર સૂચિત રોજગારીની તકો ઉપલબ્ધ થશે.
આ સ્કીમ અંતર્ગત આ સોમવારે તા.ર૭મી માર્ચે એક જ દિવસમાં ૩ MOU મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ વિવિધ ઉદ્યોગકારોએ કર્યા હતાં. ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતીમાં થયેલા આ ૩ MOU દ્વારા રાજ્યમાં રૂ. ૧૧,ર૯૧ કરોડનું સૂચિત રોકાણ આવશે અને ૧૦,૬૦૦ જેટલી સંભવિત રોજગારીનું સર્જન થશે. આ બહુવિધ MOU અન્વયે ફાર્માસ્યુટિકલ્સ અને સોડાએશ ઉદ્યોગોમાં રોકાણો આવશે.
MOU કરનારા ઉદ્યોગોમાં બે ભારતીય કંપની અને એક જાપાનીઝ કંપનીએ અનુક્રમે નખત્રાણા, વાલિયા અને સાણંદ ખાતે પોતાના ઉત્પાદન એકમો શરૂ કરવામાં રસ દાખવ્યો છે. આ ”આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ” અન્વયે રાજ્યમાં ઉદ્યોગો સ્થાપવા માટે જર્મની, યુ.એસ.એ, યુ.કે, કુવૈત, મલેશિયા સહિતના અન્ય દેશોએ પણ આ પહેલા MOU કરેલા છે.