અમદાવાદ: ચોમાસાના પહેલાં જ રાઉન્ડમાં ગુજરાતમાં (Gujarat) મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યાં છે. છેલ્લાં બે દિવસથી તો મેઘો આખાય ગુજરાતને ધમરોળી રહ્યો છે. ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં જળબંબાકાર જેવી સ્થતિ સર્જાઈ છે નદીઓ ગાંડીતૂર બની રસ્તાઓ પરથી વહેવા લાગી છે. જોકે, હજુ તો આ શરૂઆત છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીને પગલે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યાં છે.
મોન્સૂન ટ્રફ અને સર્ક્યુલર સિસ્ટમ સક્રિયના લીધે ગુજરાતમાં છેલ્લાં ત્રણ ચાર દિવસથી મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. આ સાથે હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જુલાઈ 1 અને 2નાં રોજ જૂનાગઢ, અમરેલી, નવસારી, ડાંગ, દાદરા નગર હવેલી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અહીં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોને ઘરમાં રહેવા માટેની સુચના તંત્ર દ્વારા આપવામાં આવી છે. જ્યારે વરસાદના ઓરેન્જ એલર્ટ સાથે સોમનાથ, સુરત, ભરૂચ ભાવનગર તેમજ તાપીમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પોરબંદર, રાજકોટ, બોટાદ, આણંદ, અમદાવાદ તેમજ વડોદરામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
તારીખ 2 અને 3 જુલાઈના રોજ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, જામનગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 2 દિવસો ગુજરાત માટે ભારે છે. ભારે વરસાદના કારણે ઉત્તર અને દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. આ સિવાય તેમણે 8થી 12 જુલાઈ વચ્ચે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે.
મોસમનો કુલ સરેરાશ 27.72 ટકા વરસાદ નોંધાયો
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૨૭ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં સૌથી વધુ ૧૬ ઇંચ એટલેકે ૩૯૮ મિ.મી. વરસાદ નોંધાયો છે. રાજ્યના ૬ તાલુકાઓમાં ૮ ઇંચથી વધુ વરસાદ તથા રાજ્યના અન્ય ૧૩ તાલુકાઓમાં ૬ ઇંચથી વધુ વરસાદ સહિત રાજ્યના અન્ય ૧૮૭ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૨૭.૭૨ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૮૭.૩૩ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૪૧.૧૮ ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં ૨૭.૬૫ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૨૦.૮૧ ટકા, પૂર્વ ગુજરાત ઝોનમાં ૧૬.૫૯ ટકા મોસમનો કુલ સરેરાશ નોંધાયો હોવાના અહેવાલ છે.