ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં (Gujarat) વરસાદે વિરામ લેતાં બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ચોમાસાની (Monsoon) સારી જમાવટ થયા બાદ અચાનક વરસાદે વિરામ લેતાં ગરમી અને બફારાનું પ્રમાણ વધી ગયું છે. સાથે જ ખેડૂતોમાં પણ ચિંતાના વાદળ છવાયા છે. એવામાં રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. 10 જુલાઈથી રાજ્યમાં વરસાદની (Rain) એક્ટિવિટી વધશે તેવો અનુમાન લગાવવામાં આવી રહ્યો છે. 10 જુલાઈએ બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થવાનું અનુમાન છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી છે. રાજ્યમા છેલ્લા ઘણા દિવસથી વરસાદે વિરામ લીધો છે જેના કારણે ખેડૂતોની પણ ચિંતા વધી છે. ગુજરાતમાં હાલ 36% વરસાદની ઘટ છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. મોડાસાના માથાસુલિયા, ઝાલોદર, અમલાઈ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડ્યો. અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો પરેશાન હતા. અરવલ્લી જિલ્લામાં જૂન મહિનામાં વરસેલા વરસાદ બાદ 98 હજાર હેક્ટર જમીનમાં ખેડૂતોએ વાવેતર કર્યું છે. જે પૈકી 43 હજાર હેક્ટરમાં મગફળી, 21 હજાર હેક્ટરમાં સોયાબીન અને 9 હજાર હેક્ટરમાં કપાસનું વાવેતર કરાયું છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નર્મદાના ડેડિયાપાડામાં 7 મી.મી. ડાંગના વઘઈમાં 3 મી.મી અને વલસાડમાં 2 મી.મી વરસાદ નોંધાયો છે.
વરસાદ ખેંચાતાં રાજ્યમાં ચોમાસાની આ સીઝન દરમિયાન અત્યારસુધી સરેરાશ 4.80 ઈંચ જેટલો જ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં કચ્છમાં ચોમાસાની અત્યાર સુધીની સીઝનનો સરેરાશ 2.2 ઈંચ વરસાદ થયો છે, ઉત્તર ગુજરાતમાં અત્યારસુધીની સીઝનનો 3.66 ઈંચ વરસાદ પડ્યો છે. મધ્ય ગુજરાતમાં અત્યારસુધીની ચોમાસાની કુલ સીઝનનો 4.80 ઈંચ વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં અત્યારસુધીની કુલ સીઝનનો 3.3 ઈંચ જેટલો વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં સીઝનનો અત્યારસુધીનો કુલ 9.37 ઈંચ વરસાદ થયો છે.
દરમ્યાન 8 અને 9 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદની પડી શકે છે. ગુજરાતમાં હાલ 36% વરસાદની ઘટ છે. જેમાં સૌથી વધુ ઘટ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળી રહી છે. ગુજરાતમાં 25.02 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થઈ ગયું છે. ત્યારે વરસાદ ખેંચાતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. રાજ્યમાં 207 જળાશયોમાં 39.10 ટકા જળ વધ્યું છે. તેમાં પણ સરદાર સરોવર ડેમમાં 42.18 ટકા જળ સંગ્રહ થયેલો છે.