ગાંધીનગર: ગુજરાતમાંથી (Gujarat) હવે ચોમાસાની (Monsoon) વિદાયની તૈયારી ચાલી રહી છે, નજીકના દિવસોમાં હવે ચોમાસુ વિદાય લેશે. જો કે હાલમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી અમુક સ્થળે ભારે વરસાદ (Heavy Rain) વરસી શકે છે. રાજસ્થાન (Rajasthan) પરથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. જ્યારે હવે ગુજરાતમાંથી પણ વિદાય લેવાની તૈયારી છે.
- વીતેલા 24 કલાકમાં 81 તાલુકામાં હળવો વરસાદ થયો, ભરૂચના નાંદોદમાં સાડા પાંચ ઈંચ પાણી ઝીંક્યું
- સીઝનનો 103.17 ટકા વરસાદ, સૌથી વધુ કચ્છમાં 163.87 ટકા, સૌથી ઓછો દક્ષિણ ગુજરાતમાં 91.47 ટકા
અલબત્ત, આગામી 48 કલાક દરમ્યાન રાજ્યમાં સુરત, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે અમદાવાદ , ગાંધીનગર, અમરેલી , ભાવનગર , બોટાદ , ગીર સોમનાથ , રાજકોટ , સુરેન્દ્રનગરમાં ગાજવીજ સાથે વરસાદ થશે. આ બે દિવસ દરમ્યાન પવનની ગતિ પ્રતિ કલાકના 40 કિમીની રહેશે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં હવે ચોમાસુ પૂર્ણ થવાની પ્રક્રિયા શરૂ થઇ છે. રાજસ્થાન પરથી ચોમાસુ વિદાયની પ્રક્રિયા શરૂ ગઈ છે.
આજે સાંજ સુધીમાં રાજ્યમાં 35 તાલુકાઓમાં હળવો વરસાદ થયો હતો. તેમાંયે ખાસ કરીને સુરતના ચોર્યાસીમાં 73 મીમી એટલે કે લગભગ 3 ઈંચ જેટલો વરસાદ થયો છે. જ્યારે અમરેલીના ખાંભામાં 72 મીમી જેટલો એટલે કે 2.8 ઈંચ , ઉપલેટામાં 2.3 ઈંચ , આંકલાંવમાં 1.5 ઈંચ જેટલો વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 81 તાલુકાઓમાં વરસાદ થયો હતો. જ્યારે સૌથી વધુ ભરૂચના નાંદોદમાં સાડા પાંચ ઈંચ અને તિલકવાડામાં 71 મીમી વરસાદ થયો હતો. ચોમાસાની મોસમનો રાજ્યમાં સરેરાશ 103.17 ટકા વરસાદ થયો છે. જેમાં કચ્છમાં 163.87 ટકા , ઉત્તર ગુજરાતમાં 96.05 ટકા , મધ્ય – પૂર્વ ગુજરાતમાં 97.02 ટકા , સૌરાષ્ટ્રમાં 122.30 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 91.47 ટકા વરસાદ થયો છે.
રાજકોટની માધાપર ચોકડી ખાતે સિક્સ લેન ઓવરબ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે ઈ-લોકાર્પણ
ગાંધીનગર: આજે રાજકોટના માધાપર ચોકડી સિક્સ લેન ઓવરબ્રિજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી ઇ-લોકાર્પણ કર્યું હતું. ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતુ કે આ બ્રિજથી રાજકોટના નાગરિકોની સુવિધામાં વધારો થશે તેમજ આસપાસના ઔદ્યોગિક વિસ્તારોના મોટા વાહનોને પણ આવનજાવનમાં વધુ સગવડ મળશે. આ ફ્લાયઓવર થકી જામનગર- રાજકોટ વચ્ચે અવરજવર કરતા નાગરિકોના સમય અને ઇંધણનો બચાવ થશે. હાઇવેને ફોરલેન બનાવવા માટે ૨૮૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે, એટલું જ નહિ હાઇવે સાથે મોટા શહેરોમાં ઈઝ ઓફ લિવિંગ વધે તે માટે તેના રસ્તાઓને વધુ વિકસિત કરવાની રાજય સરકારની નેમ છે. જો કે આ બ્રિજ રૂ. ૬૦ કરોડથી વધુના ખર્ચે બન્યો છે.