ગાંધીનગર: રાજ્યમાં અમદાવાદની જેમ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેડિસીટી કાર્યરત કરાશે, તે દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે, તેમ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. આજે ગુજરાત વિધાનસભામાં આરોગ્ય વિભાગની 12240 કરોડની અંદાજપત્રીય માંગણીઓ મંજુર કરાઈ હતી.
આરોગ્ય વિભાગના બેજટ પરની ચર્ચાનો જવાબ આપતા ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૯૦૦ બેડની સુવિધા સાથે નવીનીકરણ માટે વર્ષ ૨૦૨૨-૨૩ના અંદાજપત્રમાં ૬૮ કરોડની જોગવાઇ કરાઈ છે. સિવિલ મેડિસીટીની તર્જ પર રાજ્યના દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં મેડિસીટી કાર્યરત કરવાની દિશામાં આ વર્ષના અંદાજપત્રમાં સુરત સિવિલ હોસ્પિટલમાં નવા ઓપીડી બિલ્ડીંગ તેમજ હયાત સુવિધાઓનાં વિસ્તૃતિકરણ માટે ૨૩ કરોડની કરેલી જોગવાઇ કરાઈ છે. દર્દીઓને હૃદય રોગ સંબંધિત બીમારીઓની સારવાર અર્થે અનસુયા ગ્રાઉન્ડ, વડોદરા ખાતે અત્યાધુનિક કાર્ડીએક કૅથ લેબ અને હોસ્પિટલની સ્થાપના કરવા માટે ૨૩ કરોડના ખર્ચે કામગીરી હાથ ધરાશે.
તેમણે જણાવ્યું હતું કે શહેરી ક્ષેત્રોમાં આરોગ્ય સેવાઓ વધારે સુદૃઢ કરવા નવીન સી.એચ.સી. અને પી.એચ.સી. શરૂ કરીને આરોગ્ય કર્મીઓની ૧૨૩૮ નવી જગ્યાઓ ઊભી કરવામાં ૧૬ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. અમદાવાદના સીંગરવા અને ડીસાની પેટા જિલ્લા કક્ષાની હોસ્પિટલોને અપગ્રેડ કરી ૩૬ કરોડના ખર્ચે જિલ્લા કક્ષાની હોસ્પિટલ બનાવીને દર્દીઓને નજીકના અંતરે અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તદઉપરાંત વાપીમાં ૧૦૦ બેડની નવી સબ-ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને ઊંઝા સબ-ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલને અપગ્રેડ કરી ૧૦૦ બેડની હોસ્પિટલ બનાવવામાં આવશે.
આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે વર્ષ ૨૦૨૨-૨૩ના અંદાજપત્રમાં આરોગ્ય સંસ્થાઓ ખાતે ૨ કરોડના ખર્ચે ટેલી- રેડીયોલોજી, ટેલી-આઇ.સી.યુ., ટેલી-મેડિસીન અને ટેલી-મેન્ટલ હેલ્થની સેવાઓનો પ્રારંભ કરાશે. વયોવૃધ્ધ નાગરિકોને પણ ઘરે બેઠા આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે સરકાર દ્વારા નવતર અભિગમ દાખવીને ૫ કરોડના ખર્ચે ઘર બેઠા લેબોરેટરી ટેસ્ટ સેમ્પલ કલેક્શનની સુવિધા કાર્યરત કરવામાં આવશે.
દુર્ગમ વિસ્તારોમાં મોટર સાયકલ આધારિત ૫૦ મોબાઇલ હેલ્થ યુનિટ શરૂ કરવા કરેલી ૨ કરોડની જોગવાઇ આરોગ્ય સેવાઓને રાજ્યના અંતિમ માનવી સુધી વધુ સુગમતાથી પહોંચાડાશે. રાજ્યના ૮૦ લાખ કરતા વધુ કુટુંબોને PMJAY-MA યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ આપી ૫ લાખનું આરોગ્ય કવચ પુરૂ પાડવા ૧૫૫૬ કરોડની જોગવાઇ કરાઈ છે.
કિશોરીઓમાં હિમોગ્લોબીન-આર્યનની ઊણપ દૂર કરવા સરકારની યોજના
બજેટમાં કરાયેલી જોગવાઈના પગલે રાજ્યની કિશોરીઓ તેમજ મહિલાઓના હેલ્થ અને હાઇજીનની દરકાર કરીને માસિકધર્મ અંગે જાગૃતિ લાવવા અને સેનેટરીપેડ વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવા ૪૫ કરોડની જોગવાઇ કરાઇ છે. કિશોરીઓમાં આર્યન તત્ત્વની ઊણપના કારણે એનીમીયાનું પ્રમાણ જોવા મળે છે. આવનાર સમયમાં માતૃત્વ ધારણ કરનાર આ કિશોરીઓમાં હિમોગ્લોબીનનું મોનીટરીંગ કરવા તેમજ આર્યન તત્ત્વની ઊણપ દૂર કરવા તેમને આયર્ન સુક્રોઝના ઇન્જેક્શન આપવાની યોજનામાં સમાવેશ કરવા માટે ૫ કરોડના ખર્ચે કામગીરી હાથ ધરાશે.