ગુજરાત પોલીસે પ્રયાગરાજના એક યુટ્યુબરની શુક્રવારે ધરપકડ કરી હતી. તેના પર મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના વીડિયો બનાવવાનો અને તેને યુટ્યુબ અને ટેલિગ્રામ પર અપલોડ કરવાનો આરોપ છે. તપાસ દરમિયાન તેની પાસેથી મહિલાઓના વાંધાજનક ફૂટેજ મળી આવ્યા હતા.
19 ફેબ્રુઆરીના રોજ રાજકોટની પાયલ હોસ્પિટલમાં યુટ્યુબ પર મહિલાઓના ચેકઅપના વીડિયો અપલોડ કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો, ગુજરાત પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. આ કેસમાં પોલીસે મહારાષ્ટ્રમાંથી બે આરોપીઓની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછ કર્યા બાદ પ્રયાગરાજના યુટ્યુબર ચંદ્રપ્રકાશ ફૂલચંદની ધરપકડ કરવામાં આવી છે. ચંદ્રપ્રકાશની ચેનલ પર મહાકુંભના 55 થી 60 વીડિયો અપલોડ કરવામાં આવ્યા હતા. આ કેસમાં મહારાષ્ટ્રના લાતુરના પ્રજ્વલ અશોક તેલી અને સાંગલીના પ્રજ રાજેન્દ્ર પાટીલની પણ ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદ સાયબર ક્રાઈમના ડીસીપી લવિના સિંહાએ જણાવ્યું કે તપાસમાં જાણવા મળ્યું છે કે ત્રણેય લોકોએ મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના વીડિયો અન્ય ચેનલોને પણ વેચ્યા હતા. ચંદ્રપ્રકાશ ફૂલચંદ પોતે વિડીયો બનાવતો. તે પોતાની ચેનલ પર વીડિયો અપલોડ કરતો હતો અને તેને ઓનલાઈન વેચતો હતો. આરોપીના ટેલિગ્રામ ચેનલ પર 100 થી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. આ આરોપીઓ ઊંચા દરે વીડિયો વેચવાનો ધંધો ચલાવી રહ્યા હતા. આરોપીઓ પર દેશની 60-70 હોસ્પિટલોના સીસીટીવી હેક કરવાનો પણ આરોપ છે.
રાજકોટની પાયલ હોસ્પિટલના સીસીટીવી હેક થયા
ફેબ્રુઆરી-માર્ચ 2024 માં પાયલ હોસ્પિટલના સીસીટીવી હેક થયા હતા. હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપના વીડિયો બનાવવામાં આવ્યા હતા અને તેને સોશિયલ મીડિયા સાઇટ્સ પર વેચાણ માટે પોસ્ટ કરવામાં આવ્યા હતા. આ બધા વીડિયો યુટ્યુબ અને ટેલિગ્રામ પર વેચાણ માટે મૂકવામાં આવ્યા હતા. આ કેસમાં આ ગેંગ પર શંકા છે. આ સમગ્ર તપાસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમને શંકા છે કે 60 થી 70 અલગ અલગ હોસ્પિટલોના સીસીટીવી હેક કરવામાં આવ્યા છે. આ કૌભાંડ એક વર્ષથી ચાલી રહ્યું હતું. હવે આરોપીને રિમાન્ડ પર લેવામાં આવશે.
યુપીના ડીજીપી પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે મહિલાઓના સ્નાન કરતા વીડિયો અપલોડ કરવાના કેસમાં અત્યાર સુધીમાં ત્રણ એફઆઈઆર નોંધવામાં આવી છે. આવા લોકોને ઓળખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત મહાકુંભ અંગે ભ્રામક માહિતી ફેલાવવા બદલ 55 થી 60 કેસ નોંધાયા છે. આ ખાતાઓના સંચાલકોને ઓળખવાના પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
