અમદાવાદ : ભારતની (India) શાન ગણાતા અને ગુજરાતના (Gujarat) ગિરમાં આવેલા એશિયાટિક સિંહોના (Lion) એકમાત્ર વસવાટની ભીતરની અકથિત કહાનીઓનો (Story) પરિચય કરાવવા માટે રાજ્યસભાના સાંસદ અને વન્યજીવસૃષ્ટિના ચાહક-સંરક્ષક-સમર્થક પરિમલ નથવાણીએ 12 એપિસોડની એક ખાસ શ્રેણી ધ પ્રાઇડ કિંગડમ સિરીઝનું નિર્માણ કર્યું છે.
આ શ્રેણીમાં સિંહણ કેવી રીતે નાનાં બચ્ચાઓને ઉછેરે છે અને ગિરની રાણી તેમને શિકાર કરવા માટે કેવી રીતે તાલીમ આપે છે તે પણ બતાવવામાં આવ્યું છે. એટલું જ નહીં આ શ્રેણી એ પણ દર્શાવે છે કે કેવી રીતે સિંહણ તેના બચ્ચાને બચાવવા માટે તેના જીવનને જોખમમાં મૂકી આદર્શ માતા અને રોલ મોડેલનું કામ કરે છે. આ શ્રેણીમાં બેજોડ ‘લાયન હોસ્પિટલ’ ઉપર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે, આ હોસ્પિટલ જાજરમાન પ્રાણીની સંભાળ માટે વિકસાવવામાં આવેલી અદ્યતન સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવી છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ) તથા રાજ્યસભાના સાંસદ અને વન્યજીવસૃષ્ટિના ચાહક-સંરક્ષક-સમર્થક પરિમલ નથવાણીએ આ ડોક્યૂમેન્ટરી વિશે જણાવ્યું હતું કે, “હું 35 વર્ષ કરતાં વધુ સમયથી નિયમિત રીતે ગિરની મુલાકાત લઈ રહ્યો છું. જે બાબત મને સૌથી વધુ આકર્ષે છે તે એશિયાટિક સાવજોનો શાહી સ્વભાવ. ગુજરાતનું ગિર વિશ્વભરમાં એશિયાટિક સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન છે. દર વર્ષે હજારો પ્રવાસીઓ ગિરની મુલાકાતે આવે છે તેમ છતાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે હજુ પણ તેના પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નથી. આ ડોક્યુમેન્ટરીનો ઉદ્દેશ્ય ગિરમાં એશિયાટિક સિંહોની અકથિત કહાનીઓને દુનિયા સમક્ષ લાવવાનો છે.”
પરિમલ નથવાણીએ 35 વર્ષ પહેલા કોઈપણ સહાય વિના તેમનું મિશન શરૂ કર્યું હતું અને સતત પોતે કાર્યરત રહેવા ઉપરાંત સ્થાનિકોને ગિરના જંગલ અને તેના ગૌરવ એવા “સિંહો”ના સંવર્ધનને બહેતર બનાવવા માટે એક ભગિરથ પ્રયાસ આરંભવા સતત સમજાવતા રહ્યા છે.