અમદાવાદ: રાજ્યમાં દારૂબંધી (Prohibition of alcohol) હોવા છતાં પણ ખુલ્લેઆમ માંગો ત્યાં દારૂ (Alcohol) મળે છે. તાજેતરમાં જ બોટાદ ખાતે બનેલો લઠ્ઠાકાંડ (Latthakand) તેનું જીવતું જાગતું સબૂત છે. રાજ્યની ભાજપ (BJP) સરકારના મળતીયાઓ બુટલેગરો અને ડ્રગ્સના સોદાગર સાથે સાઠગાંઠ કરીને રાજ્યમાં બે રોકટોક ડ્રગ્સ અને દારૂનો કારોબાર ચલાવી રહ્યા હોવાનો તેમજ બુટલેગરોને છાવરવામાં આવી રહ્યા હોવાનો કોંગ્રેસ (Congress) દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
બોટાદ લઠ્ઠાકાંડ મુદ્દે મંગળવારે અમદાવાદની સુભાષબ્રિજ કલેકટર કચેરી ખાતે પ્રદેશ કોંગ્રેસના સંગઠન પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત અનેક આગેવાનો, સિનિયર અગ્રણીઓ, હજારોની સંખ્યામાં કાર્યકરો ધરણા- પ્રદર્શન માટે ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યામાં કોંગી કાર્યકરોએ દેખાવો યોજી, સરકાર વિરુદ્ધ સૂત્રોચાર કરીને દારૂબંધીને રોકવામાં નિષ્ફળ રહેલા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપોના સૂત્રોચાર કર્યા હતા.
ડૉ. રઘુ શર્માએ જણાવ્યું હતું કે, ડ્રગ્સ અને દારૂના બેરોકટોક ચાલી રહેલા વ્યાપારમાં ભાજપ અને તેના મળતિયાઓની ભાગીદારી છે. ધારાસભ્ય દ્વારા સંકલન સમિતિમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં બુટલેગરો તથા ગામના અસામાજિક તત્વોને ભાજપ સરકાર દ્વારા છાવરવામાં આવ્યાં હતા અને ભાજપ સરકારે કોઈ જ પગલા ન લેતાં ૭૦થી વધુએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ગાંધી અને સરદારના ગુજરાતમાં દારુબંધી હોવા છતાં ગુજરાતના દરેક શહેર – જિલ્લા – દરેક વિસ્તારોમાં દારૂનું વેચાણ ચાલુ છે. ડ્રગ્સનું વેચાણ ચાલી રહ્યું છે. ગુજરાતના પોર્ટો ઉપર ૧ લાખ ૭૫ હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું. છાસવારે ડ્રગ્સ પકડાતા ગુજરાતના દરિયાકાંઠા અને પોર્ટ ડ્રગ્સ-દારૂને દેશમાં ઘુસાડવા માટેનું પ્રવેશદ્વાર બન્યું છે.
જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં થયેલો લઠ્ઠાકાંડ એ ભાજપનો માનવ સર્જીત હત્યાકાંડ છે. ગુજરાતમાં વારંવાર બનતા લઠ્ઠાકાંડે ભાજપની દારૂબંધીની પોલ ખોલી દીધી છે. સખત અમલીકરણ, વારંવાર ગૃહખાતાની કામગીરીની વાહવાહી કરી પોતાની પીઠ ધાબડતા ગૃહમંત્રીની નિષ્ફળતાને કારણે આજે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂના વેપલા ચારી રહ્યાં છે. સ્કૂલ – કોલેજોમાં ડ્રગ્સનો પગ પેસારો થયો છે. પાનના ગલ્લા, ચાર રસ્તા ઉપર ડ્રગ્સના સેવન માટેની સામગ્રી આસાનીથી મળી રહે છે.