અમદાવાદ: જૂનાગઢના એક લગ્ન (Marrige) પ્રસંગ (function) માં ગુલાબ જામુન (Gulab Jamun) ખૂટી પડવાના મુદ્દે ભારે હોબાળો (clash) થયો હતો. લગ્ન પ્રસંગે આવેલા મહેમાન (Guests) તેમજ યજમાનના પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. લગ્નપ્રસંગ બાદ મહેમાન પોતાના માણસો સાથે યજમાનના ઘરે પહોંચ્યા હતાં અને પુત્રને (son) માર માર્યો હતો. બનાવ અંગે પોલીસે (police) બંને પક્ષી ફરિયાદો લઈને સામસામે 35 જેટલા લોકો (people) સામે ગુનો (crime) નોંધ્યો છે.
ઘટનાની સમગ્ર હકીકત એવી છે કે જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ઈટાલી ગામે રહેતાં દિનેશભાઈ પરમારની ભત્રીજીનો લગ્નપ્રસંગ હતો. લગ્ન ધામધૂમથી થયા હતાં અને તે જ રીતે ભોજન સમારંભમાં પણ મોટી સંખ્યામાં મહેમાનોને આમંત્રિત કરાયાં હતાં. લગ્નમાં મ્હાલવા આવેલા મહેમાનો જમણવારના મેન્યુનાં વખાણ પણ કરી રહ્યાં હતાં, ટૂંકમાં પ્રસંગ ઠીકઠાક ચાલી રહ્યો હતો.
જો કે આ દરમિયાન જ લગ્નપ્રસંગના એક આમંત્રિત મહેમાન જયંતિભાઈ વાળાને યજમાનીનો કડવો અનુભવ થયો હતો. જયંતિભાઈને ગુલાબ જામુન ખાસ્સા ભાવ્યા અને તેમણે વધુ ગુલાબ જામુનની માંગ કરી હતી. જેથી દિનેશભાઈએ પોતાના પુત્ર શૈલેષને બોલાવ્યો હતો અને જયંતિભાઈ માટે વધુ ગુલાબ જામુન લાવવા માટે કહ્યું હતું. જો કે શૈલેષ ખાલી હાથે પરત આવ્યો અને દિલગીરી સાથે તેણે જયંતિભાઈને કહ્યું કે ગુલાબ જામુન તો ખલાસ થઈ ગયા છે. શૈલેષના આવા જવાબથી જયંતિભાઈ ઉશ્કેરાયા હતાં અને અને ગુલાબ જામુનને લઈને તેમણે ઉગ્ર વર્તન સાથે બોલાચાલી કરી અપશબ્દોના પ્રયોગ પણ કર્યાં હતાં.
બીજી તરફ જયંતિભાઈના આવા વર્તનથી શૈલેષ પણ અકળાયો હતો અને તેણે જયંતિભાઈને તેમની જ ભાષામાં જવાબ આપ્યો હતો. શાંતિથી ચાલી રહેલાં લગ્નપ્રસંગમાં હોબાળો શરૂ થતાં વડીલો દોડી આવ્યા હતાં અને બંને પક્ષોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો. જો કે વાત અહીં અટકી ન હતી. પ્રસંગ પતાવીને શૈલેષ જ્યારે પોતાના ઘરે ગયો, ત્યારે જયંતિભાઈ વાળા પોતાના કેટલાક સાથીદારો સાથે શૈલેષના ઘરે પહોંચી ગયા હતાં. જ્યાં તેમણે લગ્નપ્રસંગમાં ગુલાબ જામુન મુદ્દે થયેલી બોલાચાલીને આગળ કરીને ઝઘડો કર્યો હતો, એટલું જ નહીં, જયંતિભાઈ અને સાથીદારોએ શૈલેષ તેમજ તેના પરિજનોને માર માર્યો હતો. શૈલેષ તેમજ પરિવારના કેટલાક સભ્યોને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઈ જવા પડ્યાં હતાં.
સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો, જેમાં બંને પક્ષોએ સામસામી આક્ષેપબાજી કરી હતી. શૈલેષે પોલીસને આપેલી પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે લગ્નપ્રસંગમાં ગુલાબ જામુન ખૂટી જવા મુદ્દે જયંતિભાઈ વાળા તેના પર ઉશ્કેરાઈ ગયા હતાં, ઉગ્ર બોલાચાલી કરી હતી અને ઘરે આવી મારપીટ કરી હતી. જ્યારે જયંતિભાઈ વાળાએ પણ પોતાની ફરિયાદ પોલીસને સોપી છે. જેમાં જણાવ્યું છે કે લગ્ન પ્રસંગમાં ગુલાબ જામુન માંગવા મુદ્દે શૈલેષે તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો.
હાલ તો મેંદરડા પોલીસે બંને પક્ષોની ફરિયાદો લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે બંને પક્ષે અંદાજે 35 જેટલા ઈસમો વિરુદ્ધ ઈપીકો કલમ 143, 147, 148, 149, 324 સહિતની કલમો હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. અલબત્ત લગ્નપ્રસંગમાં ગુલાબ જામુન એટલે કે કોઈ મિઠાઈ ખૂટી જવા મુદ્દે આટલો હોબાળો થાય, મારામારી થાય એવી ઘટના ભાગ્યે જ બનતી હોય છે. જેથી આ મુદ્દે સમગ્ર જૂનાગઢ પંથકમાં લોકોમાં ચર્ચા જોવા મળી રહી છે.