Gujarat

જંત્રી બાબતે કેબિનેટમાં કોઇ નિર્ણય નહીં લેવાયો

ગાંધીનગર : રાજયમાં ગત 5મી ફેબ્રુઆરીથી લાગુ પડેલી નવી જંત્રીનો (Jantri) રાજ્યના બિલ્ડર એસોસિએશન વિરોધ નોંધાવી રહ્યાં છે. ગઇકાલે તેમણે મુખ્યમંત્રીને (CM) રજૂઆત કરતાં મુખ્યમંત્રીએ ફેર વિચારણાની ખાતરી આપી હતી. જો કે આજે મળેલી કેબિનેટની બેઠકમાં જંત્રીની કોઇ ચર્ચા નહીં થઇ હોવાનું પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું. એટલે હાલ પૂરતી તો જંત્રીમાં કોઇ જ રાહત નથી.

આજે ગાંધીનગરમાં કેબીનેટ બેઠક પૂરી થયા પછી પ્રવકત્તા મંત્રી ઋશિકેશ પટેલે કહ્યું હતું કે તા.4થી ફેબ્રુઆરી બાદ દસ્તાવેજ કે સ્ટેમ પેપર ખરીદ્યા હશે તો નવા દર લાગુ થશે. તા.5મી ફેબ્રુઆરી પહેલા જે ડોક્યુમેન્ટ અને દસ્તાવેજ લેવાયા હશે અને નોંધાયા ન હોય તેમાં જૂના જંત્રી દર લાગુ થશે. એટલે તા.5મી ફેબ્રુઆરી પછી જંત્રીના નવા દરો લાગુ પડશે.

ક્રેડાઈ તરફથી ગઈકાલે ગાંધીનગરમાં મુખ્યપ્રધાન સમક્ષ એવી રજૂઆત કરી હતી કે રાજય સરકાર જંત્રીના દરોમાં અચાનક બમણો વધારો કર્યો છે.જે હાલ પુરતો સ્થગિત કરવો જોઈએ. નવી જંત્રીનો અમલ તા.1લી મેથી કરવો જોઈએ, એટલું જ નહીં નવી જંત્રી અમલમાં મૂકતા પહેલા રાજયમાં વિવિધ શહેરો તથા તેની અંદર આવેલા વિસ્તારોનો વૈજ્ઞાનિક સર્વે કરવો જોઈએ. જેમાં જરૂર લાગે તો જંત્રીના દરો વધારી 150 ટકા પણ કરવા જોઈએ, અને જરૂર લાગે તો 5 ટકા જ રાખવો જોઈએ. અલબત્ત, આ બાબત વૈજ્ઞાનિક સર્વેના આધારે નક્કી કરવી જોઈએ. જંત્રી માટે નવા સર્વેની કામગીરીમાં ક્રેડાઈ ગુજરાત પણ મદદ કરવા તૈયાર છે.

Most Popular

To Top