Gujarat

જામનગરમાં રાતોરાત એક પરિવાર થયો લાપતા, કોઈને પણ જાણ કર્યા વગર ઘરેથી ચાલ્યા ગયા

જામનગર: જામનગરથી (Jamnagar) આશ્ચર્યચકિત ઘટના સામે આવી છે. જામનગરમાં રહેતા એક પરિવારના પાંચ સભ્યો રાતોરાત લાપતા થઇ ગયા છે. આ ઘટનાની જાણ થતા જામનગર પોલીસે (Police) ફરિયાદ નોંધી છે. એકાએક આખો પરિવાર એક સાથે લાપતા (Missing together) થઇ જતાં પોલીસ પણ મુંઝવણમાં મૂકાઇ ગઇ છે. જ્યારે ખાસ વાત તો એ છે કે આ પરિવાર કયા કારણોસર 10 દિવસથી લાપતા થયો છે તેની કોઇને જાણ નથી. તેમજ આ અંગે તેમના સગા-સંબંધીઓને પણ કોઇ જાણકારી ન હતી. જામનગર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

જામનગર શહેરમાં ગોકુલનગરમાં રહેતા એક જ પરિવારના પાંચ સભ્ય અણધારી રીતે લાપતા થયા છે. જેથી આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકોમાં ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ પરિવારના પાંચ સભ્યોમાંથી એક વ્યકતિ હોટલના ધંધા સાથે સંકળાયેલા હતા. આ વ્યકતિ પણ પરિવારના અન્ય ચાર સભ્યો સાથે ગુમ થયા હોવાની જાણ પોલીસને્ થતા શોધખોળ કરવામાં આવી રહી છે. તેમજ જામનગર સીટી સી ડિવિઝનમાં પરિવાર ગુમ થયાની ફરિયાદ પણ નોંધવામાં આવી છે. જો કે આ પરિવારના દરેક સભ્યની ઓળખ થઇ ગઇ છે. જેમાં હોટલના ધંધા સાથે સંકળાયેલા અરવિંદભાઈ નિમાવત (ઉંમર-52) , તેમના પત્ની શિલ્પાબેન અરવિંદભાઈ નિમાવત (ઉંમર-45) તેમજ તેમની દીકરી કિરણ અરવિંદભાઈ નિમાવત (ઉં-26) અને દીકરો કરણ અરવિંદભાઈ નિમાવત (ઉંમર-22) અને અન્ય એક દીકરા સાથે પરિવારના આ પાંચે સભ્યો લાપતા છે. અન્ય એક સભ્યની જાણ થઇ નથી.

આ તમામ લોકો 11 માર્ચના રોજ કોઈપણને જાણ કર્યા વગર છુપી રીતે ઘરેથી ચાલ્યા ગયા હતા. જમનગરના PIએ જણાવ્યું હતું કે ગોકુલનગરમાં રહેતો આ પરિવાર અચાનક ગુમ થયો અને તેમના મોબાઈલ અને સિમકાર્ડ ઘરમાંથી જ તૂટેલી હાલતમાં મળી આવ્યા હતા. આ અંગે ટેક્નિકલ એનાલિસિસ અને સગાં-સંબંધીની પૂછપરછ કરવામાં આવી રહી છે. પાલીસ તપાસમાં એવું પણ જાણવા મળ્યુ છે કે તેઓ આર્થિક દબાણને કારણે ઘરેથી ચાલ્યા ગયા છે. તેમની આર્થિક પરિસ્થિતિ તેમના લાપતા થયાનુ કારણ હોઇ શકે છે. હાલમાં આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.

ગઈકાલે જામનગર સીટી સી ડિવિઝનમાં જાણ કરવામાં આવી હતી. આશ્ચર્ય પમાડનારી વાત એ છે કે આ પરિવાર કયા કારણોસર લાપતા થયો છે, ક્યાં છે તે બાબતે તેઓના સંગા સંબંધી અને પાડોશીઓને પણ કોઈ જાણ નથી. જામનગર પોલીસ દ્વારા પૂછપરછ ચાલી રહી છે. પોલીસે લોકોને અનુરોધ પણ કર્યો છે કે આ પરિવારના પાંચેય સભ્યો વિશે કોઇપણ વ્યકતિને જાણ થાય તો તેઓ તુરંત પોલીસને જાણ કરે.

Most Popular

To Top