ગાંધીનગર: (Gandhinagar) ઈસ્લામિક જેહાદ્દી સંગટ્ઠન આઈએસઆઈએસ (ISIS) નો ગુજરાતમાં દેશ વિરોધી પ્રવૃત્તિ માટે ગુજરાતમાં પગ પેસારો જોવા મળી રહ્યો છે. જેના પગલે આજે ગુજરાતમાં NIA તથા ATSની ટીમ દ્વારા અમદાવાદ, સુરત, નવસારી તથા ભરૂચમાં તપાસ હાથ ધરીને છ થી વધુ જેહાદ્દી તત્વોની અટકાયત કરી લીધી છે. NIAના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્યમાં ચાર શહેરોમાં દરોડાની કાર્યવાહી દરમ્યાન મોટી માત્રામાં વાંધાજનક જેહાદ્દી સાહિત્ય મળી આવ્યું છે. અટકાયતમાં લેવાયેલા શંકમંદોની પુછપરછમાં વિદેશના સંપર્કો પણ બહાર આવ્યા છે. આ ઉપરાંત ગુજરાતમાં ISISનો પગ પેસારો થાય તે રીતના સક્રિય પ્રયાસો કરાયા હોવાની વિગતો બહાર આવી છે. NIAની તપાસમાં સાથે ગુજરાત ATSની ટીમ પણ તપાસમાં સાથે જોડાઈ હતી.
સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, દેશમાં ISIS મોડ્યુલ શોધી કાઢવામાં આવ્યું છે. જેના પગલે ગુજરાત ઉપરાંત મધ્યપ્રેદશ, કર્ણાટક, મહારાષ્ટ્ર તથા ઉત્તર પ્રદેશમાં ISISની પ્રવૃત્તિ માલુમ પડી છે. જેના પગલે NIA દ્વારા સુઓમોટો ફરિયાદ દાખલ કરાઈ છે. કર્ણાટકમાંથી ઝડપાયેલા કેટલાંક જેહાદ્દી તત્વોના તાર ગુજરાત સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે. જેમાં ખાસ કરીને ગુજરાતમાંથી ટેરર ફંન્ડીંગ થયું હોવાની પણ આશંકા દર્શાવાઈ છે. જેના પગલે ચાર શહેરોમાં તપાસ હાથ ધરાઈ છે. સુરતમાંથી એક, નવસારીના ડાભેલ ખાતેથી એક શકમંદની અને ભરૂચના આમોદ તથા કંથારિયામાંથી પિતા – પુત્રની અને અમદાવાદમાં શાહપુરમાં તપાસ હાથ ધરીને બેની અટકાયત કરી લીધી છે. કેટલાંક આંતરરાષ્ટ્રીય કોલ સર્વેલન્સમાં રાખવામાં આવ્યા હતા. જેના પગલે આ ગુજરાતના ચાર શહેરોમાં તાર જોડાયેલા હોવાની કડીઓ મળી આવી છે.
રવિવારે મળસકે સુરતમાં (Surat) એટીએસ (ATS) , એનઆઇએ (NIA) અને એસઓજીના સંયુક્ત દરોડા (Raid) પાડવામાં આવ્યા હતાં જેમાં રાણીતળાવ વિસ્તારમાંથી જલીલ મુલ્લા નામના ઇસમની અટકાયત કરવામાં આવી છે અને તેને એસઓજીની ઓફિસમાં લાવવામાં આવ્યો છે. અહીં અધિકારીઓ તેની પૂછપરછ કરી રહ્યાં છે. વર્ષ 2021માં આતંકવાદ સાથે સંકળાયેલા એક કેસમાં તેની પૂછપરછ ચાલી રહી છે અને કર્ણાટકમાં પકડાયેલા આતંકવાદીઓ સાથે તેના સંપર્ક હોવાનું તપાસમાં ખુલ્યું છે. જો હજી સુધી પોલીસે આ અંગે સત્તાવાર કોઇ ખુલાસો કર્યો નથી. જલીલ મુલ્લાની શું ભૂમિકા છે તે પણ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું નથી. એટલે હાલમાં તો જલીલ મુલ્લા અંગે કંઇ પણ કહી શકાય તેમ નથી પરંતુ એટલું સ્પષ્ટ છે કે, એટીએસ અને એનઆઇએ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહી હોવાથી મામલો ગંભીર છે કારણ કે, નાના કેસમાં આ પ્રકારની કેન્દ્રીય એજન્સી તપાસ કરતી નથી. આ યુવાનની ઉંમર 20 થી 25 વર્ષ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભરૂચ અને નવસારીમાં પણ એજન્સીએ કાર્યવાહી કરી હતી.