સત્તાવાર અહેવાલ પ્રમાણે શિક્ષણમાં દેશનાં પ્રથમ 10 રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થયો નથી. ઉલ્ટું નબળાં 10 રાજ્યોની યાદીમાં ગુજરાતનો સમાવેશ થયો છે. ગુજરાતમાં દર વર્ષે શાળા પ્રવેશોત્સવની ઉજવણી થાય છે, તેમાં મુખ્યમંત્રી અન્ય મંત્રીઓ તથા અધિકારીઓ ગ્રામ્ય વિસ્તારોની મુલાકાતે જઈને આ કાર્યક્રમ યોજતા હોય છે. પરંતુ આ અહેવાલ જોતાં એમ લાગે છે કે આ ઉજવણી નિરર્થક છે. સરકારે આ દેખાડો કરવાના બદલે શિક્ષણની ગુણવત્તા તરફ ધ્યાન આપવાની જરૂર છે. રાજ્યની શાળાઓમાં 37000 શિક્ષકોની ઘટ છે.
રાજ્યમાં બેકારીનો દર ઊંચો છે. દર વર્ષે સરકાર ભરતીની જાહેરાત કરે છે પરંતુ તેનો અમલ બરાબર થતો નથી. વધુમાં શિક્ષકોને બિનશૈક્ષણિક અન્ય કામો સોંપવામાં આવે છે. તેનાથી શિક્ષણની ગુણવત્તા પર અસર પડે છે. આવાં કામો સોંપવાનું બંધ થવું જોઈએ. હમણાં જ અહેવાલ પ્રગટ થયા છે કે રાજ્યની અનેક શાળાઓમાં પતરાંની છત છે. એટલે કે કાચા મકાનમાં શાળા ચલાવાય છે. કહેવાતા પ્રગતિશીલ રાજ્ય માટે આ સ્થિતિ શરમજનક કહેવાય.રાજ્યે લોકાર્પણના કાર્યક્રમો પર થતા ખર્ચાઓ બંધ કરી શાળાની માળખાકીય સવલતો અને ગુણવત્તા પર ધ્યાન આપવાની જરૂર છે.
પાલનપુર- અશ્વિનકુમાર ન. કારીઆ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.