નવી દિલ્હીઃ તાજેતરમાં કોસ્ટ ઓફ લિવિંગની યાદી બહાર પડી છે. આ યાદી અનુસાર દેશનું સૌથી મોંઘુ રાજ્ય ગુજરાત છે. તેનો અર્થ એ કે દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં સામાન્ય જીવન જીવવા માટે પણ વધુ કિંમત ચૂકવવી પડે છે. ગુજરાતમાં દેશના અન્ય રાજ્યોની સરખામણીએ મોંઘવારી વધુ છે.
આ સરવે અનુસાર ગુજરાતમાં એક પરિવારે સામાન્ય જીવન વ્યતિત કરવા મહિને 46,000 રૂપિયાની જરૂર પડે છે, જ્યારે બીજી તરફ દેશનું સૌથી સસ્તુ રાજ્ય હિમાચલ પ્રદેશ છે. અહિં એક પરિવારનો માસિક ખર્ચ 23 હજાર હોવાની વિગતો બહાર આવી છે. ગુજરાત બાદ દેશમાં બીજા નંબરનું સૌથી મોંઘું રાજ્ય મહારાષ્ટ્ર છે.
આ સરવેમાં સામાન્ય જીવન જીવતા મધ્યમ વર્ગની વ્યક્તિની આવકને ધ્યાનમાં રાખીને ઘરનું ભાડું, માસિક ભોજન ખર્ચ, નોકરીએ આવવા જવાનો ખર્ચ, લાઈટ બિલ, ફોન બિલ, પેટ્રોલ બિલ અને ઘરના જરુરી ખર્ચાઓને ધ્યાને લેવાયા હતા. સર્વે પ્રમાણે ગુજરાતનું કૉસ્ટ ઓફ લિવિંગ દેશના 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સૌથી વધુ હતું.
દેશના 28 રાજ્યોમાં સૌથી નીચલા ક્રમે
દેશના 28 રાજ્યોમાં સૌથી નીચલા ક્રમે આવતાં હિમાચલમાં રહેવા માટે 23.6 હજારમાં એક મધ્યમ વર્ગીય વ્યક્તિ સારી રીતે જીવી શકે છે. ઉપરોક્ત સર્વે ગરીબ અને પૈસાદાર નહીં પરંતુ નોકરી કરતાં મધ્યમક્રમના મધ્યમવર્ગ માટે નિર્ધારિત કરવામાં આવ્યો છે. બીજા ક્રમે મહારાષ્ટ્ર રાજ્ય છે જ્યાં એક આદર્શ પરિવારને ઘર ચલાવવા માટે 45.4 હજારનો ખર્ચ થાય છે. એ પછી મિઝોરમ ત્રીજા ક્રમે છે, જ્યાં 43.5 હજારની માસિક ખર્ચની જરુરિયાત રહે છે.
કર્ણાટકમાં 43.2 હજારની આવક
કર્ણાટકમાં 43.2 હજારની આવકમાં એક મધ્યમ વર્ગીય પરિવાર પોતાનું ગુજરાન સારી રીતે ચલાવી શકે છે. બિહાર અને ઓરિસ્સા જેવા ગરીબીનો સામનો કરતાં રાજ્યોમાં પણ આ ખર્ચ 25.9 હજાર અને 26.9 હજારનો છે. પરંતુ હિમાચલમાં લોકો પહાડી જીવન જીવતા હોવાથી તેમનો મૂળભૂત ખર્ચ ઓછો હોવાથી હિમાચલ મોંઘવારીમાં સૌથી તળીયે છે.
ટુરિઝમ સ્ટેટ ગોવા પણ સસ્તુ
ગોવા જેવું આંતરાષ્ટ્રીય કનેક્શન ધરાવતા રાજ્યમાં ટુરિઝમ ભલે મોંઘું છે પરંતુ અહીંનું કોસ્ટ ઓફ લિવિંગ ગુજરાત કરતા સસ્તું છે. ગોવામાં એક આદર્શ પરિવાર 38 હજારમાં શાંતિથી જીવી શકે છે. ઉત્તર પ્રદેશ જેવા વધુ વસ્તી ધરાવતા રાજ્યમાં કોસ્ટ ઓફ લિવિંગ 29.9 હજારનું છે. હિમાચલ, બિહાર, ઓરિસ્સા, ઝારખંડ, પુડુચેરી, મધ્યપ્રદેશ, વેસ્ટ બેંગાલ, ઉત્તર પ્રદેશ અને કેરાલા જેવા રાજ્યોનું કોસ્ટ ઓફ લિવિંગ 30000 થી 23000ની વચ્ચે છે, જે ગુજરાત કરતાં અડધાથી નજીક જ કહી શકાય.
અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં ભાડા પણ વધુ
મધ્યમ ક્રમે આવેલા મેઘાલય, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, આસામ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, તમિલનાડુ, ત્રિપુરા, મણિપુર 30000 થી 33000 ની વચ્ચે આવે છે. ગુજરાતમાં અન્ય રાજ્યો કરતાં ભાડા વધું છે. ખાસ કરીને શહેરોમાં સામાન્ય રીતે ભાડું 10000થી ચાલુ થાય છે. જેની સાથે લાઈટ બિલ અને પરિવહનનો ખર્ચ વધુ હોવાથી અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં કોસ્ટ ઓફ લિવિંગ વધુ છે એવું નિષ્ણાંતો માને છે.