આ અમેરિકા નથી, આપણાં જ દેશના વિવિધ રાજ્યોના વસાહતીઓનું આક્રમણ સુરતીઓને માયનોરીટીમાં મુકી દીધા, જો કે સુરતના મૂળભુત તહેવારમાં તેઓ ઉત્સાહભેર ભાગ લે છે. દુધમાં સાકર ભળી જાય તેમ મારવાડીઓનું સાહસ કાબેલદાદ છે તેઓ મકાન, બંગલો, ફ્લેટ ખરીદતા નથી પણ ભાડાના મકાનમાં રહે છે તેઓ મિલ્કતમાં રોકાણ કરતા નથી. ધંધા ઉદ્યોગોમાં રોકાણ કરી મબલખ કમાણી કરે છે. સુરતીઓ આ હિસાબે એશોઆરામની જિંદગી બસર કરે છે. કાઠિયાવાડીઓ બિલ્ડરો બની ગયા. હિરાનો ધંધો કબજે કરી લીધો અને સુરતીઓ મોં વકાસતા રહી ગયા. એમપી, યુપીના મજુરો વગર બાંધકામ સક્ય નથી. મોં માંગ્યા દામ આપી અહિં ખટારા ઠલવાય છે. જેમ મુંબઈનો મોહ હતો તેમ હવે મુંબઈનું સ્થાન સુરત આંચકી લીધું છે.
અડાજણ – અનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સ્વતંત્રતાના મૂલ્યનો હ્રાસ
બે મુલ્યો બહુ મહત્વના છે.એક સ્વતંત્રતા બીજું સમાનતા. આપણાં ભારતીય બંધારણમાં બંને મૂલ્યોનું સુપેરે ધ્યાન રાખવામાં આવ્યું છે. પરંતુ જ્યારે સ્વતંત્રતાનાં મૂલ્ય તથા સમાનતાના મૂલ્ય વચ્ચે વિરોધાભાસ સર્જાય છે, ત્યારે બંધારણમાં સ્વતંત્રતાના મૂલ્યને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. અને સમાનતાના મૂલ્યને ગૌણ સમજવામાં આવ્યું છે. આ કારણસર જ મૂળભૂત અધિકારોને જેનો સંબંધ સ્વતંત્રતા સાથે છે, બંધારણના મુખ્ય ભાગમાં રાખી તેને અમલી બનાવવામાં આવ્યા. અને સમાનતાના મૂલ્ય સાથે સંબંધ ધરાવતા ‘‘સમાન નાગરિક કાનૂન’ને બંધારણના માર્ગદર્શક નિયમોમાં સમાવેશ કરવામાં આવ્યો.
સમાન નાગરિક ધારો બંધારણના ઘડવૈયાઓને ત્યારે પણ વ્યવહારિક લાગ્યો ન હતો અને તે અત્યારે પણ અવ્યવહારિક જ છે.બીજો મુદ્દો એ કે એવું પણ નથી કે બંધારણમાં સમાનતાના મૂલ્યનું જરા પણ ધ્યાન રાખવામાં આવ્યું નથી. ફોજદારી કાનૂન બધા માટે એકસમાન છે. નાગરિક (સિવિલ) કાનૂન બધા માટે એકસમાન છે. માત્ર કેટલાક પારિવારિક કાનૂન એવા છે, જે બધા કોમોના જુદાં જુદાં છે. હવે આપણી અણસમજુ વર્તમાન સરકાર તેને પણ બધા માટે એકસમાન કરવા જઈ રહી છે, જે સ્વતંત્રતાના મૂલ્યનું ઉલ્લંઘન છે.
સુરત – અબરાર અહમદ રફઅત– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
અમેરિકા ભાઈ ચારો નિભાવે છે
અમેરિકાથી પરત મોકલી આપેલ ગેરકાયદેસર પ્રવેશેલા ભારતીય નાગરિકોને પરત મોકલ્યા તે મામલો ચગાવી સમસ્યા ઉભી કરવાની પેરવીમાં લાગે છે. તમારા ઘરમાં કોઈ અજાણ્યો ઘૂસી આવે તો તમે શું કરો? તેને ઘર ની બહાર કાઢો, જરૂર પડે તો પોલીસને બોલાવો, કાયદાનો ઉપયોગ કરો, આ તો સારું છે કે પાકિસ્તાનની જેમ કેદ કરી જાસૂસ હોવાનો ચાર્જ લગાડી જીવન દોજખ બનાવી નથી દીધું! અને ભારત મોકલી આપવામાં આવ્યા તે સારું અને ભારત સાથેના સારા સંબંધોનું પરિણામ છે. અમેરિકા જવા- રહેવાં માટેનું ભારતીય ગાંડપણ જબરદસ્ત જોવા મળે છે.
બોગસ રીતે અમેરિકામાં પ્રવેશવા માટે વ્યક્તિ દીઠ લાખો રૂપિયાની લેતી દેતી કરી અમેરિકામાં ઘૂસવાની પેરવી કરે છે. આ બોર્ડર પરથી પકડાયેલ ભારતીયોને અમેરિકા એ પૂછેલ સવાલોનો જવાબ સંતોષકારક આપી શક્યા ન હતા તેથી તેમણે પરત મોકલ્યા. મુંબઈ ખાતેની અમેરિકા એમ્બસી બહાર સવારે પાંચ વાગ્યાથી ભારતીયોનો મેળો રોજે રોજ ભરાતો જોયો છે, વિઝા રિજેક્ટ થઈ જાય તો પણ બીજી વાર ત્રીજી વાર પ્રયત્ન કરી વિઝા મેળવતા લોકો ને હું મળ્યો છું. કાયદેસર તમારા ભણતર કે કોઈ સ્કીલના આધારે અમેરિકામાં પ્રવેશ મળે તેનો જ લાભ લો.
સુરત પરેશ ભાટિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.