Gujarat

ગેરકાયદે બાંધકામ નિયમબદ્ધ કરવા ઈમ્પેકટ ફીની મુદત વધુ છ મહિના લંબાવાઈ

ગાંધીનગર: રાજય સરકારના શહેરી વિકાસ વિભાગે આજે ઈમ્પેકટ ફીની મુદત વધુ છ માસ માટે લંબાવવા માટે નોટિફિકેશન બહાર પાડયું છે. જેના પગલે હવે છ માસ માટે ઈમ્પેકટ ફી ભરી શકાશે.

  • ગેરકાયદે બાંધકામ નિયમબદ્ધ કરવા ઈમ્પેકટ ફીની મુદત વધુ છ મહિના લંબાવાઈ
  • ઇમ્પેક્ટ ફી ભરવા માટે લોકોનું વલણ ઉદાસીન જોવા મળી રહ્યું છે

રાજય સરકારે ઇમ્પેક્ટ ફીની મુદતમાં ફરી વધારો કર્યો છે. ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા અત્યાર સુધી 3 વખત ઇમ્પેકટ ફીની સમય મર્યાદામાં વધારો કર્યો છે. આ વખતે પણ સરકારે 6 માસ માટે ઈમ્પેક્ટ ફીની મુદત વધારી દીધી છે. આ મામલે શહેરી વિકાસ વિભાગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર કરાયું છે. ઇમ્પેકટ ફીની મુદત 15 જૂનના રોજ પૂરી થઇ રહી હતી. ત્યારે ગુજરાત સરકારે ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા લોકોને વધારાના 6 મહિનાનો સમય વધારી આપ્યો છે. મુદતમાં વધારો કર્યા છતાંય ગેરકાયદેસર બાંધકામ નિયમિત કરવામાં લોકોની નિષ્ક્રિયતા જોવા મળી છે. વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરાતો કરવામાં આવે છે છતાં લોકોનું ઉદાસીન વલણ જોવા મળી રહ્યું છે.

અમદાવાદમાં છેલ્લા એક વર્ષમાં 53,175 જેટલી અરજીઓ આવી છે, જેમાંથી 3,1876 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. બાકીની અરજીઓ હાલમાં પેન્ડિંગ છે, જેનું કારણ ખૂટતા પુરાવાઓ અને અન્ય કારણોસર ઇમ્પેક્ટ ફીની અરજીઓનો નિકાલ થઈ શક્યો નથી. જે શહેરીજનો ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા પૂરતા પુરાવા પ્લાન અને અન્ય જરૂરી દસ્તાવેજો સક્ષમ ઓથોરિટી સમક્ષ રજૂ ન કરતાં હોવાના કારણે ઇમ્પેક્ટ ફીની અરજીઓનો નિકાલ થઈ શકતો નથી.

Most Popular

To Top