ગાંધીનગર: ગુજરાત (Gujarat) વિધાનસભામાં કોંગ્રેસના (Congress) સભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્યના આરોગ્ય મંત્રીએ (Health Minister) જણાવ્યું હતું કે રાજ્યના 29 જિલ્લાઓમાં સિટી સ્કેન અને એમ.આર.આઈ.મશીન ન હોવાથી દર્દીઓને અન્ય હોસ્પિટલમાં (Hospital) રિફર કરવામાં આવ્યા છે.
ગુજરાત વિધાનસભા બહાર કોંગ્રેસના સભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નોને સંકલિત કરી રજુ કરાયેલા આંકડાઓ મુજબ રાજ્યના 29 જિલ્લાઓમાં સિટી સ્કેન અને એમઆરઆઈ મશીન ન હોવાથી અન્ય હોસ્પિટલોમાં 15953 દર્દીને રીફર કરવામાં આવેલા છે. સરકારી હોસ્પિટલોમાં સિટી સ્કેન અને એમઆરઆઈ મશીન ન હોવાથી રોગનું ચોક્કસ નિદાન થઈ શકતું નથી, પરિણામે ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં રોગની સારવાર માટે જવું પડે છે, અને હેરાનગતિ થાય છે. સાથે જ હજારો રૂપિયાનો ખર્ચ કરવા મજબૂર થવું પડે છે.
સૌથી વધુ રાજકોટ જિલ્લામાંથી 7504 દર્દીને અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા
સિટી સ્કેન અને એમઆરઆઈ મશીન ન હોવાને કારણે સૌથી વધુ રાજકોટ જિલ્લામાંથી 7504 દર્દીઓને અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. તેવી જ રીતે તાપી જિલ્લામાંથી 3131, અમરેલી જિલ્લામાંથી 826, કચ્છ જિલ્લામાંથી 813, વડોદરા જિલ્લામાંથી 850, બનાસકાંઠા જિલ્લામાંથી 275, ભરૂચ જિલ્લામાંથી 410 દર્દીઓ મળી કુલ 15953 દર્દીને અન્ય જુદી જુદી હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યાં છે.