અમદાવાદ : અમદાવાદના મોટેરા સ્થિત આસારામ આશ્રમની અંદાજે 45000 ચોરસ મીટર જમીન પરત લેવા માટે ગુજરાત હાઇકોર્ટે લીલી ઝંડી આપી છે.
અમદાવાદના મોટેરા ખાતેના આસારામ આશ્રમની જમીનનો વિવાદ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો હતો ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને આ જમીન પરત લેવા માટે મંજૂરી આપતા હવે આશ્રમની કરોડોની જમીન રાજ્ય સરકાર હસ્તગત કરશે.
હાઈકોર્ટે નિર્દેશ આપ્યા છે કે, આ જમીન પર થયેલા 30થી વધુ ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવે. આ જમીન વર્ષો પહેલા આસારામને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે ફાળવવામાં આવી હતી. જોકે સમય જતા આ જમીન અને તેની આસપાસનો વિસ્તાર ગેરકાયદેસર રીતે કબજે કરી લેવામાં આવ્યો હતો, જેના પરિણામે લાંબી કાનુની પ્રક્રિયા ચાલી હતી. હવે રાજ્ય સરકાર આ જમીનનો કબજો લઈ તેનો ઉપયોગ જાહેર હિતમાં કરી શકશે.
હાઈકોર્ટના આદેશને પગલે ગેરકાયદેસર બાંધકામોને ઝડપથી દૂર કરવા અને જમીનને વિકાસ માટે તૈયાર કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવશે.