ભરૂચ: ગુજરાતમાં (Gujarat) ચારેય બાજુ વરસાદી કહેર જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને (Heavy Rain) કારણે જાહેર રસ્તાઓ અને કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. હાલમાં ભરૂચ (Bharuch) તાલુકાના સેગવા ગામમાં વરસાદી પાણી ખાડીમાં ફરી વળતા ચાર ગર્ભવતી મહિલાઓ સહીત ૨૦થી ૨૫ લોકો ફસાઈ જતા ભરૂચ નગર પાલિકાના ફાયર ફાયટરોએ દિલ ધડક ઓપરેશન પાર પાડી તમામને રેસ્ક્યુ (Rescue) કરી સુરક્ષિત સ્થળે ખસેડવાની ભૂમિકા ભજવી હતી.
ભરૂચ જીલ્લા હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે કેટલાક તાલુકામાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે ભારે વરસાદ વચ્ચે ભરૂચ તાલુકાના સેગવા ગામમાં વરસાદી પાણી ખાડીમાં ફરી વળ્યા હતા. જેને કારણે ગામમાં વરસાદી પાણી આવી જતા આખું ગામ બેટમાં ફેરવાયું હતું.વરસાદી પાણી ગામમાં ભરાતા કેટલાક લોકો પાણીમાં ફસાઈ ગયા હોવાની જાણ ભરૂચ ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયર ઓફિસર ચિરાગ ગઢવી તેઓની ટીમ સાથે બોટ અને લાઈફ જેકેટ સહીતના સાધનો લઇ સ્થળ પર દોડી આવ્યા હતા અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ચાર ગર્ભવતી મહિલાઓ,બાળકો,વૃધ્ધો મળી ૨૦થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. ફાયરના જવાનોની કામગીરીને પગલે લોકોએ તેઓ માટે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.
ભૂખી ખાડીમાં ઓવરફલો લઈને ભરૂચ તાલુકાના પાંચ ગામો પાણીથી ગરકાવ
ભરૂચ નજીકથી પસાર થતી ભૂખી ખાડીમાં ઉપરવાસમાંથી પાણીનો વધુ પડતા આખી ખાડી ઓવરફ્લો થઈ રહ્યો છે. ખાડીના પાણી નજીકમાં આવેલ પાંચ ગામોમાં ફરી વળતા જનજીવનને વ્યાપક અસર પડી છે. હાલ ગુજરાતમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યો છે.ત્યારે ભરૂચના પાચ ગામોમાં જાણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. ભરૂચ તાલુકાના સીતપોણ, કરગટ, સેગવા અને પરીએજ સહિતના ગામોમાં કેડ સમા પાણી ભરાયા છે. આ ગામો નજીકથી પસાર થતી ભૂખી ખાડી ઓવરફ્લો થવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સિતપોણ ગામમાં જાણે પૂર આવ્યું હોય એવા દ્રશ્યો સર્જાયા હતા. ઉપરવાસમાંથી ભૂખી ખાડીમાં પાણીની આવકમાં વધારો થતાં ખાડી ઓવરફ્લો થઈ ગઈ હતી અને ખાડીના પાણી ગામમાં ફરી વળ્યા હતા. લોકોના ઘરમાં પાણી ફરી વળતા ઘરવખરીને વ્યાપક નુકશાન પહોંચ્યુ હતુ.સિતપોણ સહિતના પાંચ ગામોમાં આ પાણીના કારણે હજારો એકર જમીનમાં ઊભા પાકને પણ વ્યાપક નુકશાન પહોંચ્યુ છે. ગ્રામજનોના આક્ષેપ અનુસાર પ્રતિવર્ષ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે પરંતુ તંત્ર દ્વારા આ પ્રશ્નનું કોઈ નિરાકરણ લાવવામાં આવતું નથી એવો ગ્રામજનોએ ઉભરો ઠાલવ્યો હતો.