ગાંધીનગર: ગુજરાત સરકાર (Gujarat govt) ના આરોગ્ય અગ્રસચિવ (Health head secretary) ડોક્ટર જયંતિ રવિ (Dr.jayanti ravi)ની બદલી (transfer) કરવામાં આવી છે. વર્ષ 1991 બેચના ગુજરાત કેડરનાં IAS જયંતિ રવીને તમિલનાડુ (tamilnadu)ના એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવવવામાં આવ્યાં છે. જયંતી રવિની એકાએક બદલી થવા પાછળ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચેની આંતરિક લડાઈ કારણભૂત હોવાનું ઉચ્ચ અધિકારીઓ માની રહ્યા છે. કારણ કાંઈ પણ હોય પરંતુ હાલ જયંતિ રવિની અચાનક બદલી થતાં ગાંધીનગર સચિવાલયમાં અનેક તર્કવિતર્કો વેહતા થયા છે. બીજી તરફ ગુજરાતના નવા આરોગ્ય અગ્ર સચિવ કોણ હશે તેના પર પ્રશ્નાર્થ છે. હાલ રાજ્યમાં કોરોનાની સ્થિતિ થાળે પડી છે પરંતુ ત્રીજી વેવ આવવાની શક્યતાને પગલે આ જવાબદારી કોને સોંપાશે તે જોવું રહ્યું.
ઘણાં સમયથી જયંતિ રવિ (jayanti ravi)ની બદલીની અટકળો ચાલી રહી હતી. ત્યારે ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિની અચાનક બદલી સચિવાલયમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેઓને તમિલનાડુના એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવાયા છે. અને આ અચાનક લેવાયેલ નિર્ણયને પગલે કોરોના મહામારીના સેકન્ડ વેવમાં અવ્યવસ્થાનો ટોપલો જયંતિ રવિ પર ઢોળાતા તેમની બદલી થઇ હોવાનું સ્વર્ણિમ સંકુલના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. જાણવા મળ્યા મુજબ કેટલાક નિર્ણયો મુખ્યમંત્રીની સૂચનાથી બારોબાર કરવામાં આવતાં નાયબ મુખ્યમંત્રીમાં નારાજગી જોવા મળતી હતી. કેટલાકમાં નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી દ્વારા લેવાતા નિર્ણયોમાં મુખ્યમંત્રી પણ અજાણ રહેતાં એનો દોષ પણ જયંતી રવિના માથે ઠાલવવામાં આવતો હતો.
કેન્દ્ર તરફથી સૂચના મળતાં જ રાજ્ય સરકારે જયંતી રવિને રાજ્ય સેવામાંથી છૂટાં કરવા માટેની ઔપચારિકતા આરંભી દેવાઈ હતી. અને લાંબા સમયથી જયંતી રવિના બદલીના ભણકારા વાગી રહ્યા હતા. દરમિયાન જયંતી રવિને પુડુચેરીના મુખ્ય સચિવ બનાવાશે તેવી ચર્ચા હતી. જો કે તેના બદલે તેમને તમિલનાડુના એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવાયા છે. અચાનક લેવાયેલ આ નિર્ણયથી તેમને આ પ્રકારનું ટ્રાન્સફર કેમ આપવામાં આવ્યું છે તેના પર પણ અનેક ચર્ચા ચાલી રહી છે.
17 ઑગસ્ટ, 1967ના રોજ જન્મેલા જયંતિ રવિ 1991ની બેચના આઈએએસ અધિકારી છે. અને 15 સપ્ટેમ્બર, 1991ના રોજ તેમણે આઇએએસ તરીકેની પોતાનો પદભાર સંભાળ્યો હતો. જયંતિ રવિએ ઈ-ગવર્નન્સમાં ડૉક્ટર ઑફ ફિલોસોફી (PHD) કર્યું છે. ન્યુક્લિયર ફિઝિક્સમાં તેઓ માસ્ટર ઑફ સાયન્સ(MSC) થયાં છે. સાથે જ માસ્ટર ઑફ પબ્લિક ઍડમિનિસ્ટ્રેશનનો કોર્સ તેમણે હાવર્ડ યુનિવર્સિટીમાંથી કર્યો છે. લંડન સ્કૂલ ઑફ ઇકનૉમિક્સમાંથી તેમણે લીડરશિપ પ્રોગ્રામ કર્યો છે. અને ન્યુક્લિયર ફિઝિક્સમાં માસ્ટર્સ કરનારા જયંતિ રવિએ સાયન્ટિસ્ટ તરીકે દિલ્હીમાં બે વર્ષ કામ પણ કર્યું છે.
સરકારી સેવામાં તેઓ સાબરકાંઠામાં તાલુકા વિકાસ અધિકારી રહી ચૂક્યાં છે. ઉપરાંત પંચમહાલનાં કલેક્ટર પણ હતાં. અને તેઓ લેબર કમિશનર તેમજ હાયર એજ્યુકેશન કમિશનર પણ રહી ચૂક્યાં છે. અંતે 3 સપ્ટેમ્બર, 2019ના રોજ તેમણે આરોગ્ય અને કુટુંબ-કલ્યાણ વિભાગનો હવાલો સંભાળ્યો હતો. અને હવે તમિલનાડુના એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવાયા છે.