ગુજરાતના મુંદ્રા પોર્ટ પરથી તાજેતરમાં ૩૦૦૦ કિલો જેટલું ડ્રગ્સ ડીઆરઆઈ દ્વારા જપ્ત કરવામાં આવ્યું હતું. ભારતના ઇતિહાસમાં આટલું મોટો ડ્રગ્સનો જથ્થો કોઈ પોર્ટ પરથી પકડાયો હોય તેવી આ પહેલી ઘટના છે. ભાજપના શાસકોના પાપે સમગ્ર દેશમાં ગુજરાત ડ્રગ્સની રાજધાની બની ગયું છે. ભાજપ સરકારે યુવાનોને રોજગારીનો વાયદો કર્યો હતો, પરંતુ ગુજરાત અને દેશના યુવાનોને માદક પદાર્થ અને ડ્રગ્સના રવાડે ધકેલાઈ રહ્યા છે. આટલા મોટા ડ્રગ્સના નેટવર્કનો મુખ્ય સૂત્રધાર કોણ છે ? તે અંગે દેશના ગૃહમંત્રી કે વડાપ્રધાન મગનું નામ મરી પાડી રહ્યા નથી.
ભાજપ સરકાર ડ્રગ્સના નેટવર્કમાં નાની માછલીઓને પકડી રહી છે, પરંતુ મોટા ડ્રગ્સ માફિયા સરકારના નાક નીચે કામ કરી રહ્યા હોય તેવું સ્પષ્ટ જણાય છે, તેવું અમદાવાદની મુલાકાતે આવેલા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા પવન ખેરાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા છ સાત વર્ષમાં ગુજરાત રૂટ મારફતે ડ્રગ્સનો કાળો કારોબાર વધ્યો છે. ગુજરાતના મુન્દ્રા પોર્ટ ઉપરથી 12 સપ્ટેમ્બરના રોજ આશિ ટ્રેડર્સ નામની કંપનીનું ૩૦૦૦ કિલો જેટલો હેરોઇન ઝડપાયું હતું. જ્યારે 9 જૂન-21ના રોજ 2500 કિલો હેરોઇન ગુજરાત સહિત દેશના બજારોમાં પહોંચી ગયું છે.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ-બોલિવૂડમાં 100 ગ્રામ ડ્રગ્સ પકડાય તો આખા દેશમાં હાહાકાર મચાવી મૂકવામાં આવે છે, પરંતુ અહીં ભારતના ઇતિહાસમાં સૌથી મોટું ડ્રગ્સનું કન્સાઈન્મેન્ટ ગુજરાતના મુંદ્રા પોર્ટ પરથી પકડાયું હોવા છતાં દેશના ગૃહમંત્રી અને વડાપ્રધાન બંને ગુજરાતના હોવા છતાં આ સમગ્ર મામલે ચુપ છે. દક્ષિણ ભારતમાં વ્યાપારી બંદરો જેવા કે કલકત્તા, તમિલનાડુ, મુંબઈ વગેરેને છોડીને ગુજરાતનું બંદર ડ્રગ્સ માફીયાઓ દ્વારા હજારો કીલો માદક ડ્રગ્સ દેશના બજારોમાં એપી સેન્ટર બન્યું છે. દેશના ગૃહમંત્રીના રાજ્ય ગુજરાતમાં મોટી માત્રામાં હેરોઈન – ડ્રગ્સની હેરાફેરી થાય તે સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય છે. આંધ્રપ્રદેશના વિજયવાડા ખાતેની આયાત – નિકાસનું લાયસન્સ ધરાવતી આશી ટ્રેડર્સ જેવી નાની માછલીઓને પકડામાં આવી પરંતુ મગરમચ્છ જેવા વિશાળ ડ્રગ્સ માફીયાઓ હજુ પણ ભાજપ સરકારના નાક નીચે કામ કરી રહ્યા હોય તેવું ચિત્ર ઉભુ થાય છે.
ભાજપ સરકાર પર સવાલો કરતાં પવન ખેરાએ વધુમાં કહ્યું હતુ કે ગુજરાતના મુન્દ્રા પોર્ટ ઉપર 1,75,૦૦૦ કરોડની કિંમતની 25,૦૦૦ કિલો હેરોઈન – ડ્રગ્સ ક્યાં ગયું ?, શું દેશમાં પાકિસ્તાન – અફઘાનિસ્તાન જેવા દેશોથી આવતું ડ્રગ્સ એ રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડા નથી?, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોમાં છેલ્લા 18 મહિનાથી ડાયરેક્ટ જનરલની નિમણુંક કોના ઈશારે કરવામાં આવી નથી ?, શું ડ્રગ્સ માફીયાઓને ભાજપ સરકાર કે સરકારી એજન્સીઓમાં ક્યા બાબુઓ રક્ષણ કરી રહ્યાં છે?, શું ભાજપ સરકાર દેશની સુરક્ષામાં નિષ્ફળ નથી ગયા? અને શું આ દેશના યુવાનોને ડ્રગ્સ તરફ ધકેલવાનું ષડયંત્ર નથી ? આ તમામ સવાલોનો જવાબ ભાજપ સરકારે દેશ – ગુજરાતની જનતાને આપવો પડશે.